ઈન્દોરમાં રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ
રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન તેઓ ઈન્દોર પહોંચતા પહેલા જ રાહુલ ગાંધીને બોમ્બની ઉડાવી દેવાની ધમકી મળી છે. જુની ઈન્દોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મીઠાઈની દુકાન પર ધમકીભર્યો પત્ર તેમને મળ્યો હતો. ત્યારે પત્ર મળ્યા બાદ જુની ઈન્દોર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે પત્ર છોડનાર વ્યક્તિની શોધખોળ ધરી હતી.
ધમકી મળતા તપાસ શરુ
સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ જુની ઈન્દોર પોલીસ સ્ટેશન વિસ્તારની આસપાસ લગાવેલા સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં તોફાની તત્વોનો હાથ હોઈ શકે છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ધમકી પાછળ તોફાની તત્વોનો હાથ
રાહુલ ગાંધી દેશમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી પગપાળા ‘ભારત જોડો યાત્રા’ કાઢી રહ્યા છે. ભારત જોડો યાત્રા 20 નવેમ્બરે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. કોંગ્રેસના નેતાઓ આ યાત્રામાં રાહુલ ગાંધી સાથે ચાલવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ ઈન્દોરની સેવર વિધાનસભાના કોંગ્રેસી નેતા રીના બોરાસીએ પણ પદયાત્રા કાઢીને કોંગ્રેસની ભારત જોડો યાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસના નેતા અને શહેર પ્રમુખ રવિ ભદોરિયાએ કહ્યું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે આ યાત્રાની વચ્ચે હવે રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શોધખોળ ધરવામાં આવી રહી છે. ત્યારે આ અંગે પોલિસે જણાવ્યુ હતુ કે આ ધમકી પાછળ તોફાની તત્વોનો હાથ હોઈ શકે છે. જેની તપાસ હાલ પોલિસ કરી રહી છે.