રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું- દેશમાં આજે સરમુખત્યરશાહી; ભાજપે જવાબ આપ્યો- શું કોંગ્રેસમાં લોકતંત્ર છે?
મોંઘવારી, બેરોજગારી, GST અને તપાસ એજન્સીના દુરુપયોગના મુદ્દે કોંગ્રેસ શુક્રવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે કહ્યું કે આજે દેશમાં લોકશાહી નથી, માત્ર સરમુખત્યારશાહી જ છે. રાહુલના આ હુમલાના જવાબમાં ભાજપ તરફથી રવિશંકર પ્રસાદે જવાબ આપ્યો. જેમાં તેમને કોંગ્રેસ પર નિશાન સાધવાના પ્રયાસ કર્યા.
દેશમાં આજે લોકશાહી નથીઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે આજે ભારતમાં લોકશાહી નથી. લોકશાહી મરી ગઈ છે. આજે ચાર લોકોની સરમુખત્યારશાહી છે. અમે મોંઘવારી અને લોકોને શું વહેંચવામાં આવી રહ્યું છે તેના પર બોલવા માંગીએ છીએ. અમને સંસદ ભવનમાં બોલવા દેવામાં આવતા નથી. જે કોઈ વિરોધ કરે છે તેની ધરપકડ કરવામાં આવે છે. આજે હિન્દુસ્તાનની આ હાલત છે.
સૌથી વધુ બેરોજગારી ભારતમાં છેઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યુ હતુ કે આજે સૌથી વધુ બેરોજગારી ભારતમાં છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, પણ નાણા મંત્રીને આ દેખાતું નથી. રાહુલે કહ્યુ હતુ કે તમે દેશના કોઈપણ ગામ કે શહેરમાં જાઓ અને પુછશો તે લોકો જણાવશે કે આજે મોંઘવારીમાં પીસાઈ રહ્યા છીએ, પણ સરકારને આ બધુ દેખાતું નથી.
દરેક સંસ્થામાં RSSનો માણસ
દેશમાં દરેક સંસ્થામાં આરએસએસનો માણસ બેઠો છે. તે સરકારના નિયંત્રણમાં છે. જ્યારે અમારી સરકાર હતી ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન્યુટ્રલ હતુ. અમે તેમાં દરમિયાનગીરી કરી નથી. આજે તે સરકાર પાસે છે. જો કોઈ વિરોધ કરે છે, તો કેન્દ્રીય તપાસ એજન્સીઓ તેની સામે મૂકવામાં આવે છે.
70 વર્ષની લોકશાહીનું 8 વર્ષમાં જ પતન
લોકશાહીના મૃત્યુ વિશે તમને કેવું લાગે છે? જે લોકશાહીને 70 વર્ષમાં બનાવવામાં આવી હતી, તેને આઠ વર્ષમાં જ ખતમ કરી દેવામાં આવી છે.
રાહુલ ગાંધીએ કહ્યું- હું જેટલું સાચું બોલીશ, એટલું જ આક્રમણ વઘશે
મારી સમસ્યા એ છે કે હું સાચું બોલીશ, મોંઘવારી, બેરોજગારીના મુદ્દા ઉઠાવવાનું કામ કરીશ. જે ડરે છે તે ધમકાવે છે. આજે દેશની જે સ્થિતિ છે તેઓ તેનાથી ડરે છે, મોંઘવારી અને બેરોજગારીથી ડરે છે. તેઓ લોકોની શક્તિથી ડરે છે. કારણ કે તેઓ 24 કલાક ખોટું બોલે છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, હું જેટલું સાચું બોલીશ, મારા પર એટલું જ આક્રમણ વધુ થશે. પણ હું મારું કામ કરતો કરીશ, મોંઘવારી વિશે વાત કરીશ. હું બેરોજગારી વિશે વાત કરીશ. હું જેટલુ આ બધાની વિરુદ્ધમાં બોલીશ તેટલા જ મારા પર હુમલા વધશે. તે ફક્ત અમારી સાથે જ નહીં. દરેકની સાથે થશે, જે કોઈ પણ સરકાર વિરુદ્ધ બોલે છે તેને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ડરાવવામાં આવે છે. લોકો હજુ આ વાત નથી સમજી રહ્યા, પરંતુ એક દિવસ તેઓ સમજી જશે.
ભાજપે વળતો જવાબ આપતા ઈમરજન્સીનો કર્યો ઉલ્લેખ
રવિશંક પ્રસાદે ઈમરજન્સીનો ઉલ્લેખ કર્યો. તેમને કહ્યું કે રાહુલ ગાંધીના દાદીએ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ લોકો લોકતંત્રની સલાહ અમને આપે છે. રાહુલ ગાંધીજી તમે એક સવાલનો જવાબ આપો કે શું તમારી પાર્ટીમાં લોકશાહી છે? કોંગ્રેસમાં સારા નેતા છે, પરંતુ સોનિયાજી, રાહુલજી અ પ્રિયંકાજીની પાર્ટી છે. જ્યારે લોકોએ જ તમને રિજેક્ટ કરી દીધા છે તો અમે તેના માટે કઈ રીતે જવાબદાર છીએ.
ભાજપના નેતાએ કહ્યું કે 2019માં તેમને અમારા PM માટે શું-શું ન કહ્યું, પરંતુ દેશના લોકોએ તેમને હરાવી દીધા. તમારા બહેન યુપી ગયા પરંતુ જનતાએ તમને એક સીટ પણ ન આપી. રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે આજે ડિપેન્સ ડીલમાં કોઈ કટ નથી થતું, વચેટિયાઓની દુકાન બંધ થઈ ગઈ છે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી કહે છે કે હંમેશા સાચું બોલે છે. પરંતુ અમે તેમને પૂછવા માગીએ છીએ કે તેઓ જામીન પર કેમ છે. આજે દેશને બતાવવાની જરૂર છે કે નેશનલ હેરાલ્ડનો મામલો શું છે. આ આખો કેસ અમારી સરકાર આવી તે પહેલાનો છે. તેમાં દગાબાજી અને ષડયંત્રનો આરોપ છે.
હવે દેશની નિંદા કરે છે રાહુલ ગાંધીઃ ભાજપ
ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી હવે દેશની નિંદા કરી રહ્યાં છે. તમારા રાજનીતિ સ્વાર્થ અને ભ્રષ્ટાચારથી બચવા માટે દેશની સંસ્થાનોને બદનામ કરી રહ્યાં છે. રાહુલ ગાંધી ઈન્સ્ટીટ્યૂટની વાત કરે છે, ત્યારે તે જણાવો કે કોરોના દરમિયાન જ્યારે આખો દેશ એકજૂથ હતો ત્યારે તમે કેટલી મજાક બનાવી. વેક્સિનની પણ મજાક કરી.
રવિશંકર પ્રસાદ કહ્યું કે રાહુલ ગાંધી આજે સ્ટાર્ટઅપની મજાક ઉડાવી રહ્યાં છે. શું તેમને સાચી જાણકારી મળે છે? શું તેમને ખબર છે કે ભારતનું સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ આજે દુનિયામાં ત્રીજા-ચોથા નંબરે છે? શું તેમને ખ્યાલ છે કે ભારતમાં આજે 100થી વધુ યુનિકોર્ન છે?
ભાજપના નેતાએ કલમ 370નો પણ ઉલ્લેખ કર્યો. આજે કાશ્મીરમાં તિરંગા લહેરાય રહ્યો છે અને જયજયકાર થઈ રહી છે. તેમને કહ્યું કે આ લોકો હિટલરવી વાત કરે છે પરંતુ ઈમરજન્સીના સમયે સરમુખત્યાર આ સમગ્ર દેશે જોઈ છે.