ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીને અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના માનહાનિના કેસમાં મળ્યા જામીન

  • રાહુલ ગાંધીએ 2018માં બેંગલુરુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ખૂની કહ્યા હતા

લખનઉ, 20 ફેબ્રુઆરી: કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં જામીન મળી ગયા છે. 2018માં બેંગલુરુમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના આરોપમાં અહીં ચાલી રહેલા કેસમાં સાંસદ રાહુલ ગાંધી મંગળવારે કોર્ટમાં હાજર થયા હતા. ભારે સુરક્ષા વચ્ચે હાજર થયેલા કોંગ્રેસના નેતાને કોર્ટે અંતે જામીન આપ્યા હતા. બીજેપી નેતાએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ મામલો વર્ષ 2018નો છે, જેમાં એક વીડિયો ક્લિપનો ઉલ્લેખ હતો જેમાં રાહુલ ગાંધી અમિત શાહને ખૂની કહી રહ્યા હતા. આ નિવેદનને લઈને સુલતાનપુર કોર્ટમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. કોર્ટ પરિસરમાં રાહુલ ગાંધીના આગમન પર ઝિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીના સમર્થકોના ટોળા અહીં એકઠા થયા હતા.

 

રાહુલ ગાંધી 2018ના માનહાનિ કેસમાં હાજર થવા સુલતાનપુર કોર્ટ પહોંચ્યા હતા. સુલતાનપુર MP-MLA કોર્ટે તેમને જામીન આપ્યા અને તેઓ અમેઠી જવા રવાના થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આ દિવસોમાં અમેઠીમાં રોકાયા છે. રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા ઉત્તર પ્રદેશના લોકોને મદદ કરવામાં વ્યસ્ત છે.

 

આ કેસ શું છે ?

સહકારી બેંકના પૂર્વ પ્રમુખ અને બીજેપી નેતા વિજય મિશ્રાએ પાંચ વર્ષ પહેલા રાહુલ ગાંધી વિરૂદ્ધ વિશેષ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં થોડા દિવસ પહેલા નિર્ણય આવ્યો હતો. જજે રાહુલ ગાંધીને કેસમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. ફરિયાદીનો આરોપ છે કે, 15 જુલાઈ 2018ના રોજ ભાજપના કાર્યકર્તા અનિરુદ્ધ શુક્લા અને દિનેશ કુમારે તેમના મોબાઈલ પર એક વીડિયો ક્લિપ બતાવી હતી. જેમાં રાહુલ ગાંધી અમિત શાહને ખૂની કહી રહ્યા હતા. આ નિવેદનો બેંગલુરુમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સના છે, જે જસ્ટિસ લોયાના મૃત્યુ અંગે હતી.

રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ

ફરિયાદીના એડવોકેટ સંતોષ પાંડેએ કહ્યું કે, ફરિયાદી અને બે સાક્ષીઓના નિવેદન તેમજ પુરાવાના આધારે સ્પેશિયલ મેજિસ્ટ્રેટ યોગેશ યાદવે ગયા વર્ષે 27 નવેમ્બરે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. આ બાદ, હાજર થવા માટે ત્રણ વખત સમન્સ જારી કરવામાં આવ્યા હતા. છેલ્લી હાજરીની તારીખે (18 જાન્યુઆરી) વરિષ્ઠ વકીલ કાશી પ્રસાદ શુક્લાએ રાહુલ ગાંધી વતી વકાલતનામુ દાખલ કર્યું હતું.

આ પણ જુઓ: ‘રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે’ પ્રશ્ન પર લાલુ યાદવે શું કહ્યું? જૂઓ વીડિયો

Back to top button