ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસને આવકવેરાની નોટિસ મળ્યા બાદ રાહુલ ગાંધી થયા ગરમ, જાણો શું કહ્યું

દિલ્હી, 29 માર્ચ: લોકસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસને નોટિસ આપવામાં આવી છે. આ અંગે રાહુલ ગાંધીએ સત્તાધારી પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે યાદ રાખવું જોઈએ કે જ્યારે સરકાર બદલાશે, ત્યારે એ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે જેમણે લોકશાહીનું અપમાન કર્યું છે

રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં કહ્યું હતું કે, એવી કાર્યવાહી કરવામાં આવશે કે ફરી આ બધું કરવાની કોઈની હિંમત નહીં થાય. આ મારી ગેરંટી છે.

ભાજપ લોકસભા ચૂંટણી માટે ‘મોદીની ગેરંટી’ અભિયાન ચલાવી રહી છે, જે તેમના ચૂંટણી વચનો પૂરા કરવા માટે વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના અગાઉના વીડિયોને ટેગ કર્યા હતા અને તેમની પોસ્ટ સાથે #BJPTaxTerrorism હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો.

બીજી તરફ, કોંગ્રેસે કહ્યું કે પાર્ટીને પાછલા વર્ષોના ટેક્સ રિટર્નમાં વિસંગતતાઓ માટે 1,800 કરોડ રૂપિયા જમા કરાવવા માટે આવકવેરા વિભાગ તરફથી નવી નોટિસ મળી છે. નોટિસને “ગંભીર” ગણાવતા, કોંગ્રેસે ભાજપ પર “કર આતંકવાદ”નો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે પત્રકાર પરિષદમાં કહ્યું કે કોંગ્રેસને આર્થિક રીતે નબળી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ અમે ડરવાના નથી. ઈન્કમટેક્સ વિભાગની આ નોટિસ સામે કોંગ્રેસે સપ્તાહના અંતે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનું પણ નક્કી કર્યું છે.

 

આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસે કહ્યું હતું કે કથિત આવકવેરા ડિફોલ્ટને કારણે પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. પાર્ટીને કથિત ઓવરડ્યુ ટેક્સમાં રૂ. 130 કરોડ ચૂકવવા માટે નોટિસ આપવામાં આવી હતી.

કોંગ્રેસે કહ્યું કે તેમને આવકવેરા વિભાગ તરફથી ફરી એક તાજી નોટિસ મળી છે. જેમાં તેને રૂ. 1,823.08 કરોડ ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ આવકવેરા કાયદાનું “ગંભીર ઉલ્લંઘન” કરી રહ્યું છે, જેના માટે અધિકારીઓએ ભાજપ પાસે 4,600 કરોડથી વધુની માંગણી કરવી જોઈએ.

કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને કહ્યું કે આવકવેરા દ્વારા કોંગ્રેસને 1,823.08 કરોડ રૂપિયાનો દંડ ભરવા માટે નોટિસ મોકલી છે, પરંતુ આવકવેરા વિભાગ ભાજપ તરફ આંખ આડા કાન કરી રહ્યું છે. આવકવેરા વિભાગને માત્ર કોંગ્રેસ જ દેખાઈ રહી છે, અમારી પાર્ટીને હેરાન કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: કોંગ્રેસને ઝટકા પર ઝટકો, ગઈકાલે હાઈકોર્ટે અરજી ફગાવી; હવે IT વિભાગે આપ્યું ‘ટેન્શન’

Back to top button