ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંભલ હિંસા પર રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન, BJP સરકાર પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું

  • રાહુલ ગાંધીએ સંભલમાં ભડકેલી હિંસાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે

નવી દિલ્હી, 25 નવેમ્બર: UPના સંભલમાં ભડકેલી હિંસા અંગે આજે સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન બહાર આવ્યું છે. રાહુલ ગાંધીએ આ હિંસા માટે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી છે અને ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. રાહુલે પોતાના X હેન્ડલ પર પણ આ મામલે પોસ્ટ કરી છે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી દ્વારા પણ આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે.

વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘સંભલ, ઉત્તર પ્રદેશમાં તાજેતરના વિવાદ પર રાજ્ય સરકારનું પક્ષપાતી અને ઉતાવળભર્યું વલણ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા અને ગોળીબારમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. પ્રશાસન દ્વારા તમામ પક્ષોને સાંભળ્યા વિના અને અસંવેદનશીલતાથી કરવામાં આવેલી કાર્યવાહીથી વાતાવરણ વધુ ખરાબ થયું અને ઘણા લોકોના મૃત્યુ થયા છે, જેના માટે ભાજપ સરકાર સીધી રીતે જવાબદાર છે. ભાજપ દ્વારા હિન્દુ-મુસ્લિમ સમાજ વચ્ચે તિરાડ અને ભેદભાવ ઉભો કરવા માટે સત્તાનો ઉપયોગ ન તો રાજ્યના અને ન તો દેશના હિતમાં છે.

 

રાહુલે આગળ કહ્યું કે, ‘હું સુપ્રીમ કોર્ટને વિનંતી કરું છું કે તે આ મામલે જલદી દરમિયાનગીરી કરે અને ન્યાય કરે. મારી અપીલ છે કે, શાંતિ અને પરસ્પર સૌહાર્દ જાળવી રાખો. આપણે સૌએ સાથે મળીને એ સુનિશ્ચિત કરવું પડશે કે, ભારત સાંપ્રદાયિકતા અને નફરતના નહીં પણ એકતા અને બંધારણના માર્ગે આગળ વધે.

પ્રિયંકા ગાંધીનું પણ આવ્યું નિવેદન

હાલમાં જ પ્રિયંકા ગાંધીએ પણ સંભલ કેસ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વહીવટીતંત્રે કોઈપણ તપાસ વિના અથવા બંને પક્ષોને વિશ્વાસમાં લીધા વિના ઉતાવળમાં પગલાં લીધાં છે. પ્રિયંકાએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશના સંભલમાં અચાનક થયેલા વિવાદને લઈને રાજ્ય સરકારનું વલણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. બીજી બાજુ સાંભળ્યા વિના અને બંને પક્ષોને વિશ્વાસમાં લીધા વિના વહીવટીતંત્રે આટલી સંવેદનશીલ બાબતમાં જે ઉતાવળમાં પગલાં લીધાં તે દર્શાવે છે કે, સરકારે જ વાતાવરણ બગાડ્યું છે. પ્રશાસને જરૂરી કાર્યવાહી અને ફરજોનું પાલન કરવું જરૂરી માન્યું ન હતું.

 

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘સત્તા પર બેસીને ભેદભાવ, અત્યાચાર અને ભાગલા પાડવાનો પ્રયાસ ન તો લોકોના હિતમાં છે કે ન તો દેશના હિતમાં. માનનીય સર્વોચ્ચ અદાલતે આ બાબતે સંજ્ઞાન લેવું જોઈએ અને ન્યાય કરવો જોઈએ. રાજ્યના લોકોને મારી અપીલ છે કે દરેક સંજોગોમાં શાંતિ જાળવી રાખો.’

આ પણ જૂઓ: મહા વિકાસ અઘાડીના આ 3 સાંસદોનો ફરી રાજ્યસભા જવાનો રસ્તો બંધ!

Back to top button