ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વાયનાડથી રાહુલ ગાંધી, મેરઠથી ‘રામ’; જાણો બીજા તબક્કાની 88 બેઠક પર કેટલા દિગ્ગજ નેતાઓ મેદાનમાં

HD News Desk (અમદાવાદ), 25 એપ્રિલ: લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કાનો પ્રચાર પડઘમ શાંત પડ્યા છે. 26 એપ્રિલના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 88 બેઠકો પર મતદાન થશે. જો કે, બીજા તબક્કામાં 89 સીટ પરથી મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશની બેતુલ સીટ પર BSP ઉમેદવારના મૃત્યુ બાદ હવે આ સીટ પર 7મેના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ પ્રમાણે આ તબક્કામાં 1,198 ઉમેદવારો મેદાનમાં છે. આમાંથી 1,097 પુરુષ અને 100 મહિલા ઉમેદવાર છે. જ્યારે એક ઉમેદવાર થર્ડ જેન્ડર છે. આ તબક્કાની 12 હૉટ સીટ પર તમામની નજર છે. જેમાં રાહુલ ગાંધી, શશિ થરૂર, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ગજેન્દ્ર સિંહ શેખાવત, હેમા માલિની, ભૂપેશ બઘેલ, બીમા ભારતી જેવા દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે.

1. કેરળની વાયનાડ સીટ પર ત્રિકોણીય જંગ

કેરળની વાયનાડ સીટ પર ત્રિકોણીય જંગ જામશે. 2019માં રાહુલ ગાંધી અહીંથી પહેલીવાર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આ વખતે રાહુલ ગાંધી સામે I.N.D.I. બ્લોકના પક્ષ CPI(M) એ મહિલા ઉમેદવાર એની રાજાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપના કેરળ પ્રદેશ અધ્યક્ષ કે. સુરેન્દ્રનને ટિકિટ આપવામાં આવી છે. સુરેન્દ્રન સબરીમાલા ચળવળનો મુખ્ય ચહેરો હતો. જો કે, તેમની સામે 243 કેસ નોંધાયેલા છે.

2. તિરુવનંતપુરમ બેઠક પર બે દિગ્ગજ નેતાઓ સામ-સામે

તિરુવનંતપુરમ બેઠક પરથી ત્રણ વખત કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની સામે ભાજપે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને ટિકિટ આપી છે. રાજીવ 2006થી રાજ્યસભાના સભ્ય છે. 2018માં તેઓ ત્રીજી વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 2021માં કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. જ્યારે શશિ થરૂરે લગભગ 29 વર્ષ સુધી યુએનમાં કામ કર્યું છે. ભારત સરકારે યુએનના મહાસચિવ પદ માટે શશીનું નામ આપ્યું હતું. તેઓ ચૂંટણીમાં બીજા ક્રમે રહ્યા હતા. આ પછી તેમણે યુએનમાંથી રાજીનામું આપી દીધું અને 2009માં રાજકારણમાં જોડાયા. તેઓ મનમોહન સિંહ સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી અને માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી રહી ચુક્યા છે.

3. કોટાથી લોકસભા સ્પીકર ઓમ બિરલા મેદાનમાં

કોટાથી ભાજપના ઉમેદવાર 17મી લોકસભાના સ્પીકર ઓમ બિરલા છે. તેઓ છેલ્લી બે વખત જીતી રહ્યા છે. આ પહેલા તેઓ કોટા દક્ષિણથી ત્રણ વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. બીજી તરફ, કોંગ્રેસે બે વખત ભાજપના ધારાસભ્ય પ્રહલાદ ગુંજલને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ 21 માર્ચે જ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપમાંથી તેમને ટિકિટ ન મળતા તેઓ કોંગ્રેસમાં જોડાયા છે.

4. જોધપુર સીટ પર ખરાખરીનો જંગ

જોધપુર સીટ પરથી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ છેલ્લા બે વખતથી જીતી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે આ સીટ પર કરણસિંહ ઉચિરાડાને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ રાજ રાજેશ્વરી આશાપૂર્ણા મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે.જોધપુર બેઠક પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનું વતન છે. તેઓ અહીંથી પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ તેમનો પુત્ર વૈભવ 2019ની ચૂંટણીમાં અહીંથી હારી ગયો હતો. તેથી આ વખતે કરણસિંહ ઉચિરાડાને ટિકિટ મળી છે.

5. બાડમેર બેઠક પર ત્રિકોણીય મુકાબલો

બાડમેર બેઠક પર ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી મેદાનમાં છે. તેઓ 2019માં અહીંથી પહેલીવાર સંસદ પહોંચ્યા હતા. જ્યારે કોંગ્રેસે ઉમેદ રામ બેનીવાલને ટિકિટ આપી છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)ના વડા હનુમાન બેનીવાલના નજીકના ઉમેદ રામ બેનીવાલ લગભગ એક મહિના પહેલા કોંગ્રેસમાં જોડાયા છે. ત્રીજી તરફ રવિન્દ્રસિંહ ભાટી પણ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

6.’રામાયણ’ના અરુણ ગોવિલ મેરઠ સીટથી ઉતર્યા

ભાજપે મેરઠ સીટથી અરુણ ગોવિલને મેદાનમાં ઉતાર્યા છે. સીરિયલ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણને ત્રણ વખત સાંસદ રાજેન્દ્ર અગ્રવાલની ટિકિટ કાપીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે સપા તરફથી સુનીતા વર્માને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તે પૂર્વ ધારાસભ્ય યોગેશ વર્માની પત્ની છે.

7. મથુરાના બે વખતની સાંસદ હેમા માલિની ચૂંટણી મેદાનમાં

ભાજપે મથુરાથી બે વખત સાંસદ અને પ્રખ્યાત અભિનેત્રી હેમા માલિનીને ત્રીજી વખત ટિકિટ આપી છે. સ્થાનિક સંગઠન અને જનતાની નારાજગી છતાં પાર્ટીએ આ પગલું ભર્યું છે. જ્યારે, બસપાએ કમલકાંત ઉપમન્યુની ટિકિટ બદલીને સુરેશ સિંહને આપી દીધી છે.

8. રાજનાંદગાવ બેઠક પર કોંગ્રેસ તરફથી ભૂપેશ બઘેલ ચૂંટણી લડશે

આ બેઠક 1999થી ભાજપનો કબજો છે. 2007માં પેટાચૂંટણી બાદ જ કોંગ્રેસના દેવવ્રત સિંહ 2 વર્ષ સુધી સાંસદ રહ્યા. આ વખતે કોંગ્રેસે અહીંથી પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે જ ભાજપે વર્તમાન સાંસદ સંતોષ પાંડેને ફરી ટિકિટ આપી છે. 2019માં તેમને પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહના પુત્ર અને તત્કાલીન સાંસદ અભિષેક સિંહની ટિકિટ કાપીને તક આપવામાં આવી હતી.

9. ટીકમગઢ સીટ પર દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા

ભાજપે ટીકમગઢથી કેન્દ્રીય મંત્રી વીરેન્દ્ર કુમાર ખટીકને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ છ વખત સાંસદ રહી ચૂક્યા છે. 2009માં સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી સીટ પર ખટીક સતત જીતી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે અહીંથી પંકજ અહિરવારને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ SC મોરચાના ઉપાધ્યક્ષ છે. તેમણે 2023ની વિધાનસભા ચૂંટણીમાં જટારાથી ટિકિટ માંગી હતી પરંતુ કોંગ્રેસે કિરણ અહિરવાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જેના કારણે નારાજ પંકજને પાર્ટીએ મોટી તક આપી છે.

10. પૂણિયા સીટ પર અપક્ષ અને RJD સામસામે

બિહારની પૂણિયા સીટ પર રાજેશ રંજન એટલે કે પપ્પુ યાદવ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા છે. બીજી તરફ જનતા દળ યુનાઈટેડ (JDU) છોડીને જનાર બીમા ભારતીને RJDએ મેદાનમાં ઉતાર્યા છે. JDUએ ફરીથી એનડીએ કેમ્પમાંથી બે વખત વિજેતા સાંસદ સંતોષ કુમાર કુશવાહાને ટિકિટ આપી છે.

11. માંડ્યા સીટ પર પૂર્વ મુખ્યમંત્રી નસીબ અજમાવશે

કર્ણાટકમાં ભાજપ જનતા દળ સેક્યુલર (JDS) સાથે ગઠબંધનમાં છે. માંડ્યા સીટ JDSના ખાતામાં ગઈ છે. તેથી જેડીએસના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. 2019માં તેમના પુત્ર નિખિલ કુમારસ્વામી આ જ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. ત્યારપછી ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સુમલતા જીત્યા હતા. કોંગ્રેસે અહીંથી વેંકટરામને ગૌડા (સ્ટાર ચંદ્રુ)ને ટિકિટ આપી છે. તેઓ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે અને બીજા તબક્કાની ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર છે.

12. બેંગલુરુ ઉત્તર પર કેન્દ્રીય મંત્રી સામે IIMના પૂર્વ પ્રોફેસર

બેંગલુરુ ઉત્તર બેઠક પરથી ભાજપે કેન્દ્રીય મંત્રી ડી.વી.સદાનંદ ગૌડાનું પત્તું કાપીને કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેને મેદાનમાં ઉતાર્યા છે. શોભા છેલ્લી બે ચૂંટણીઓ ઉડુપી-ચિકમગલુર લોકસભા સીટ પરથી જીતી રહી છે. જ્યારે કોંગ્રેસે IIM બેંગ્લોરના પ્રોફેસર એમ.વી. રાજીવ ગૌડાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. તેમના પિતા રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ 2014-2020 વચ્ચે રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.

બીજા ચરણના 33% ઉમેદવારો કરોડપતિ 

એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ (ADR) અનુસાર, બીજા તબક્કાના 1,192 ઉમેદવારોમાંથી 390 એટલે કે 33% ઉમેદવારો કરોડપતિ છે. તેમની પાસે એક કરોડ કે તેથી વધુની સંપત્તિ છે. ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 5.17 કરોડ રૂપિયા છે. છ ઉમેદવારોએ તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે, જ્યારે ત્રણ પાસે 300થી 1000 રૂપિયાની સંપત્તિ છે.

આ પણ વાંચો: બીજા તબક્કામાં મતદાનની આડે ગરમીનું જોખમ ન આવે તે માટે ચૂંટણી પંચે કરી ટાસ્કફોર્સની રચના

Back to top button