રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી, ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહને આપશે ટક્કર
- સોનિયા ગાંધી 2004થી રાયબરેલી બેઠક પર હતા સાંસદ
- રાહુલ ગાંધી ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહને આપશે ટક્કર
ઉત્તર પ્રદેશ, 3 મે: રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આજે સવારે જ કોંગ્રેસ દ્વારા અમેઠી અને રાયબરેલીની બેઠકોની જાહેરાત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ બપોરે 2.15 કલાકે કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી. રાહુલ સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત હાજર રહ્યા હતા.
કોંગ્રેસ કાર્યાલયમાં પૂજા કરીને રાહુલ ગાંધીએ નોંધાવી ઉમેદવારી
આજે વહેલી સવારે રાહુલ ગાંધી વિશેષ વિમાન દ્વારા દિલ્હીથી ફુરસતગંજ પહોંચ્યા હતા. ત્યાંથી અમેઠી થઈને રાયબરેલી આવ્યા હતા. રાયબરેલીમાં કેન્દ્રીય કોંગ્રેસ કાર્યાલયમાં પૂજા અર્પણ કર્યા બાદ રાહુલની નામાંકન યાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અગાઉ રાહુલ ગાંધીએ આ પૂજામાં હાજરી આપીને રથ જેવી ખુલ્લી ટ્રકમાં ઉમેદવારી નોંધાવવા જવાનું હતું, પરંતુ ઉમેદવારી નોંધાવવામાં વિલંબ જોઈને તેઓ સીધા જ તેમના બંધ વાહનમાં રવાના થઈ ગયા હતા.
આ પણ વાંચો: સરવેની આડમાં મતદારોની માહિતી લેવાનું બંધ કરોઃ તમામ પક્ષોને ચૂંટણીપંચનો આદેશ
શોભાયાત્રામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, કોંગ્રેસ સાથે સપાના કાર્યકરો પણ જોવા મળ્યા
રાહુલ ગાંધીની નામાંકન યાત્રા હાથી પાર્ક સ્થિત કોંગ્રેસ કેન્દ્રીય કાર્યાલયથી શરૂ થઈ હતી. આ શોભાયાત્રા ફિરોઝ ગાંધી ચોક થઈને કલેક્ટર કચેરીએ પહોંચી હતી. આ શોભાયાત્રામાં ભારે ભીડ જોવા મળી હતી. કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમાએ હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ જંગી મતોથી રાહુલ ગાંધીને જીતાડવાની વાતો કરતા હતા. આ શોભાયાત્રામાં કોંગ્રેસની સાથે સપાના કાર્યકરો પણ જોવા મળ્યા હતા.
રાયબરેલી બેઠક પર રાહુલ ગાંધી ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહને આપશે ટક્કર
હાઈપ્રોફાઈલ રાયબરેલી સંસદીય સીટ પર બીજેપી ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ સતત બીજી વખત ગાંધી પરિવારનો સામનો કરશે. દિનેશ પ્રતાપ સિંહે રાહુલ ગાંધીના નામાંકનના થોડા સમય પહેલા જ ઉમેદવારી નોંધાવી હતી. 2019માં દિનેશ પ્રતાપ સિંહે સોનિયા ગાંધી સામે ચૂંટણી લડી હતી. તેમણે એક વખત કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. 2018માં દિનેશ પ્રતાપ સિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. સોનિયા ગાંધીને 5,31,918 વોટ મળ્યા. ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહને 3,67,740 મત મળ્યા હતા. દિનેશ પ્રતાપ 1,64,178 મતોથી હારી ગયા, પરંતુ તેમણે સોનિયા ગાંધીની જીતનું માર્જિન ઘટાડ્યું હતું.
નોમિનેશન દરમિયાન રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર
રાહુલ ગાંધી જ્યારે ઉમેદવારી નોંધાવવા કલેક્ટર કચેરી જઈ રહ્યા હતા ત્યારે ડિગ્રી કોલેજ ચારરસ્તા પાસે પણ તેમનો વિરોધ જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન બીજેપી કાર્યકર્તાઓએ કથિત રીતે રાહુલ ગાંધી વિરુદ્ધ નારા લગાવ્યા હતા.
આ પણ વાંચો: હવે હું તેમને કહું છુંઃ ડરો મત, ભાગો મતઃ રાહુલ ગાંધી પર પીએમ મોદીનો કટાક્ષ