ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘એક ભયંકર આર્થિક તોફાન આવી રહ્યું છે’, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર રાહુલ ગાંધીએ આપી ચેતવણી

India inflation: રાહુલ ગાંધીએ આજે (મંગળવારે) કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ પર આકરા પ્રહારો કરતાં ચેતવણી આપી કે દેશ પર એક મોટું આર્થિક સંકટ આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે PM મોદીએ છેલ્લા 12 વર્ષ દરમિયાન જે આર્થિક માળખું ઊભું કર્યું છે, તે સામાન્ય જનતાના હિત માટે નહીં પરંતુ માત્ર મોટા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે છે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, “હું છેલ્લા ઘણા દિવસોથી કહી રહ્યો છું કે મોદીજીએ દેશની આર્થિક વ્યવસ્થાનું જે માળખું તૈયાર કર્યું છે, તેના કારણે હવે એક મોટું આર્થિક તોફાન આવવાનું છે. અડાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું આ મોડેલ લાંબા સમય સુધી ટકી શકશે નહીં, તે ટુંક સમયમાં તુટી જશે.”

તેમણે વધુમાં દાવો કર્યો કે આ સંભવિત આર્થિક સંકટનો ફટકો મોટા ઉદ્યોગપતિઓ કે સત્તાના કેન્દ્રમાં બેઠેલા લોકોને નહીં પડે, કારણ કે તેમની પાસે દરેક પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના પૂરતા સાધનો અને વિકલ્પો ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે આ સંકટની સૌથી ગંભીર અસર સામાન્ય નાગરિકો પર પડશે. ખાસ કરીને યુવાનો, ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, ખેડૂતો, મજૂરો અને નાના વેપારીઓને આર્થિક મુશ્કેલીઓનો વધુ સામનો કરવો પડશે.

આ નિવેદન દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા બાદ સામે આવ્યું છે. લગભગ ચાર વર્ષ પછી પહેલી વખત ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેને વૈશ્વિક બજારમાં વધતા ક્રૂડ ઓઈલના ભાવ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ સાથે જોડવામાં આવી રહ્યું છે.

રાહુલ ગાંધીએ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં આરોપ લગાવ્યો કે PM મોદી સતત વિદેશ પ્રવાસો કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ સામાન્ય લોકોને ખર્ચ ઘટાડવા અને વિદેશ પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સરકારની આ નીતિઓ અને નિવેદનો વચ્ચે સ્પષ્ટ અંતર જોવા મળી રહ્યું છે.

કોંગ્રેસ અને NSUI દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા બાદ સરકાર પર રાજકીય દબાણ વધ્યું છે. બીજી તરફ, ભાજપના નેતાઓએ આને રાજકીય પ્રેરિત હુમલો ગણાવ્યો છે અને દાવો કર્યો છે કે દેશની અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે.

વર્ષ 2025-26 માટે ભારતની GDP વૃદ્ધિનો અંદાજ લગભગ 6% થી 7.8% વચ્ચે મૂકવામાં આવ્યો છે. તેમ છતાં મોંઘવારી, રોજગારની તકો અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે ચર્ચા અને વિવાદ ચાલુ છે. આ મુદ્દે દેશભરમાં ચર્ચા તેજ થઈ છે. વિરોધ પક્ષ આને મોદી સરકારની નીતિઓની નિષ્ફળતા તરીકે રજૂ કરી રહ્યું છે, જ્યારે સરકાર તેને વૈશ્વિક પરિબળો સાથે જોડી રહી છે.

આ પણ વાંચો: ન ઉત્તર પ્રદેશ, ન ગુજરાત, કૂતરાના કરડવાના સૌથી વધુ કેસ આ રાજ્યમાં: સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો

Back to top button