ટોપ ન્યૂઝનેશનલ

રાહુલ ગાંધીએ તેલંગાણાના CMને જાતિગત વસ્તી ગણતરી કરાવવા આપ્યો પડકાર

  • રાહુલ ગાંધીએ ભૂપાલપલ્લીમાં જાહેર સભા સંબોધી
  • આ સર્વે દેશના એક્સ-રે નું કામ કરશે: રાહુલ ગાંધી
  • તેલંગાણામાં કોંગ્રેસ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે

તેલંગાણા: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાતિગત વસતી ગણતરીના મુદ્દે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના મૌન પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે તેલંગાણામાં કોંગ્રેસ સત્તામાં આવશે તો સર્વે કરાવશે. રાહુલ ગાંધીએ તેલંગાણાના ભૂપાલપલ્લીમાં એક જાહેર સભાને સંબોધતા આ વાત કહી. કોંગ્રેસના નેતાએ કહ્યું કે પાર્ટીએ છત્તીસગઢ, રાજસ્થાન અને કર્ણાટકમાં જાતિ આધારિત વસતી ગણતરી સર્વે શરૂ કરી દીધો છે અને સત્તામાં આવતાંની સાથે જ તેલંગાણામાં પણ આવું કરશે. તેમણે કહ્યું કે જાતિની વસ્તી ગણતરીથી ખબર પડશે કે કેસીઆરના પરિવારે તેલંગાણાને કેટલી લૂંટી છે.

 રાહુલ ગાંધીએ જાહેરસભાને સંબોધતા કહ્યું કે, જાતિ આધારિત વસતી ગણતરીથી જાણ થશે કે, દેશમાં કેટલા દલિત, ઓબીસી, આદિવાસી અને સામાન્ય વર્ગના નાગરિકો વસે છે અને કોની કેટલી ભાગીદારી છે. આ સર્વે દેશના એક્સ-રે જેવું કામ કરશે. તેનાથી એ પણ જાણી શકાશે કે દેશની સંપત્તિ કેવી રીતે વહેંચાઈ રહી છે.

 રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, BJP-BRS-AIMIM આ ત્રણેય પાર્ટી કોંગ્રેસ પાર્ટી પર આગળી ચીંધે છે. બીજી તરફ, બીજેપી વિપક્ષને ડરાવવા કેસ કરે છે. હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે ED અને CBI તમારા મુખ્યમંત્રીની પાછળ કેમ નથી દોડતી? હું ભાજપ સામે લડું છું તો તે મારા પર 24 કેસ કરી નાખે છે. બીજેપી અને તમારા મુખ્યમંત્રીની મિલીભગત છે, બીજેપી-બીઆરએસ એકસાથે મળીને કામ કરી રહ્યા છે.

તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી યોજાશે

તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાશે. ગઈકાલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ મુલુગ જિલ્લામાં એક ચૂંટણી રેલી કાઢી હતી. અને શાસક પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે બંને વચ્ચે ‘ગુપ્ત સાંઠગાંઠ’ છે.તેમણે કહ્યું કે ભાજપ ઇચ્છે છે કે BRS તેલંગાણાની ચૂંટણી જીતે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ, બીઆરએસ અને અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી પાર્ટી AIMIM કોંગ્રેસને હરાવવા એક જૂથ બનીને કામ કરી રહી છે.

આ પણ વાંચો: ભારતની જીત માટે રાહુલ ગાંધીની ‘મોહબ્બત કી દુકાન’માં એકપણ શબ્દ નથી ?

Back to top button