નેશનલ

કાશ્મીરી પંડિતોની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવાની રાહુલ ગાંધીની PM મોદીને અપીલ

ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કાશ્મીરી પંડિતોની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવાની અપીલ કરી છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ‘વડાપ્રધાન, ભારત જોડો યાત્રા દરમિયાન કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ મને મળ્યું અને તેમની દુઃખદ સ્થિતિ જણાવી હતી. આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટેડ કિલિંગનો ભોગ બનેલા કાશ્મીરી પંડિતોને કોઈપણ સુરક્ષા ગેરંટી વિના ખીણમાં જવા માટે દબાણ કરવું એ ક્રૂર પગલું છે. આશા છે કે તમે આ બાબતે યોગ્ય પગલાં ભરશો.

Kashmiri Pandit

‘ખીણમાં ભય અને અંધકારનું વાતાવરણ’

આ ટ્વીટની સાથે તેણે લેટર પણ શેર કર્યો છે. કોંગ્રેસ નેતા દ્વારા શેર કરાયેલ પત્ર 2 ફેબ્રુઆરીનો છે. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન કાશ્મીર ઘાટીમાંથી વિસ્થાપિત કાશ્મીરી પંડિત સમુદાય તરફ દોર્યું છે. તેમણે લખ્યું કે તાજેતરના ભૂતકાળમાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતો અને અન્યોની હત્યાને કારણે ઘાટીમાં ભય અને નિરાશાનું વાતાવરણ સર્જાયું છે. કોંગ્રેસના નેતાએ પોતાના પત્રમાં લખ્યું છે કે સમગ્ર ભારતને પ્રેમ અને એકતાના દોરમાં જોડવા માટે ચાલી રહેલી ભારત જોડો યાત્રાના જમ્મુ તબક્કે કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ તેમની સમસ્યાઓને લઈને મને મળ્યું હતું. તેઓએ જણાવ્યું કે સરકારી અધિકારીઓ તેમને કાશ્મીર ઘાટીમાં કામ પર પાછા જવા માટે દબાણ કરી રહ્યા છે.

રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી

પીએમ મોદીને આ સલાહ આપી

રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું છે કે આ સંજોગોમાં સલામતી અને સુરક્ષાની કોઈ ખાતરી વિના તેમને ખીણમાં કામ પર જવા માટે દબાણ કરવું એક ક્રૂર પગલું છે. કોંગ્રેસ નેતાએ અપીલ કરી અને લખ્યું કે જ્યાં સુધી સ્થિતિ સુધરે અને સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર આ કાશ્મીરી પંડિત કર્મચારીઓ પાસેથી અન્ય વહીવટી અને જાહેર સુવિધાઓમાં સેવાઓ લઈ શકે છે.

લેફ્ટનન્ટ ગવર્નર સામે આક્ષેપો

તેણે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પર વધુ આરોપ લગાવતા લખ્યું કે ‘જ્યારે કાશ્મીરી પંડિતો જેઓ પોતાની સુરક્ષા અને પરિવારની ચિંતાઓ માટે વિનંતી કરી રહ્યા છે તેઓ સરકાર પાસેથી સહાનુભૂતિ અને સ્નેહની અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર તેમના માટે ‘ભિખારી’ જેવા ગેર જવાબદાર શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. પીએમ મોદીને આ મુદ્દે પગલાં લેવાની અપીલ કરતાં તેમણે લખ્યું કે ‘મેં કાશ્મીરી પંડિત ભાઈ-બહેનોને આશ્વાસન આપ્યું છે કે હું તેમની ચિંતાઓ અને માંગણીઓ તમારા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરીશ. હું આશા રાખું છું કે તમને આ માહિતી મળતા જ તમે આ બાબતે યોગ્ય પગલાં ભરશો.

Back to top button