કોહલી-રોહિતને T20 સીરીઝમાં કેમ સ્થાન નહીં? કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું કારણ
કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને ન્યુઝીલેન્ડ સામેની T20 સીરીઝમાં સ્થાન મળ્યું નથી. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે આ બાબતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. દ્રવિડે કહ્યું કે કોહલી અને રોહિત શર્માને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ બ્રેક આપવામાં આવ્યો છે. દ્રવિડે એ વાતનો પણ ઇનકાર કર્યો હતો કે તેમની ટીમ અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટનની નીતિ અપનાવી રહી છે.
ટીમ ઈન્ડિયાને ODI સિરીઝ પૂરી થયા બાદ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ T20 મેચ પણ રમવાની છે. સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓને T20 સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી અને હાર્દિક પંડ્યાને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાંથી ભારત સેમિફાઇનલમાંથી બહાર થયું ત્યારથી જ વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલની T20 કારકિર્દી પર સવાલો ઉઠી રહ્યા છે. જો જોવામાં આવે તો T20 વર્લ્ડ કપ પછી ત્રણેય ખેલાડી T20માં એક પણ મેચમાં સારુ પર્ફોમ કરી શક્યા નથી.
ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડનું માનવું છે કે આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ અને ODI વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ છે, આવી સ્થિતિમાં ખેલાડીઓ માટે વર્કલોડ મહત્વપૂર્ણ છે. BCCIની નવી નીતિ અનુસાર નેશનલ ક્રિકેટ એકેડમી આ વર્ષની IPL દરમિયાન ખેલાડીઓના વર્કલોડ પર નજર રાખશે.