રઘુરામ રાજનને કેન્દ્રીય મંત્રીએ નિષ્ફળ અર્થશાસ્ત્રી ગણાવ્યા, કહ્યું- બેંકિંગ સિસ્ટમને બરબાદ કરી
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પર સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના આકરા પ્રહારો થયા છે. રઘુરામ રાજન પર પ્રહાર કરતા કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિક રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે તેમણે RBIના ગવર્નર પદ પર રહીને સમગ્ર બેંકિંગ સિસ્ટમને બરબાદ કરી દીધી હતી.
VIDEO | “We all know that when he (Raghuram Rajan) was the RBI governor, he wrecked the entire banking system,” says Union Minister @Rajeev_GoI. pic.twitter.com/fRLkPe5WxG
— Press Trust of India (@PTI_News) June 9, 2023
રઘુરામ રાજન નિષ્ફળ અર્થશાસ્ત્રી- રાજીવ ચંદ્રશેખર
રઘુરામ રાજન પર પ્રહાર કરતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે તેમણે નક્કી કરવું જોઈએ કે તેઓ નિષ્ફળ રાજનેતા છે કે નિષ્ફળ અર્થશાસ્ત્રી. તેમણે કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે તેઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર પદ પર હતા ત્યારે તેમણે સમગ્ર બેંકિંગ સિસ્ટમ અને નાણાકીય ક્ષેત્રને બરબાદ કરી નાખ્યું હતું.
રવિશંકર પ્રસાદે સ્પોન્સર્ડ એક્સપર્ટ કહ્યા
રાજીવ ચંદ્રશેખર એવા પહેલા ભાજપના નેતા નથી કે જેમણે રઘુરામ રાજન પર હુમલો કર્યો હોય. અગાઉ, 1 જૂન, 2023 ના રોજ, નાણાકીય વર્ષ 2022-23 માટે 7.2 ટકા GDPના આંકડાની જાહેરાતના બીજા જ દિવસે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રવિશંકર પ્રસાદે પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના બહાને રઘુરામ રાજન પર પ્રહારો કર્યા હતા. રઘુરામ રાજન પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે પ્રાયોજિત નિષ્ણાતોની તમામ આગાહીઓ ખોટી સાબિત થઈ છે.
ભારત જોડો યાત્રામાં જોડાવવા મુદ્દે પણ પ્રહાર
જ્યારથી રઘુરામ રાજન તેમની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોડાયા છે ત્યારથી RBIના ભૂતપૂર્વ ગવર્નર ભાજપના નિશાના હેઠળ આવ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ રઘુરામ રાજન સાથે ઘરેલું અને વૈશ્વિક આર્થિક સ્થિતિ અંગે મુલાકાત પણ કરી હતી. એ જ ઈન્ટરવ્યુમાં રઘુરામ રાજને કહ્યું હતું કે આગામી નાણાકીય વર્ષ 2023-24માં જો ભારત 5 ટકાનો GDP આંક હાંસલ કરશે તો તે ભાગ્યશાળી રહેશે. 2022-23માં GDP 7.2 ટકા રહ્યો છે, ત્યારથી રઘુરામ રાજનની આગાહી પર સવાલો ઉભા થઈ રહ્યા છે અને તેમના નિવેદનની આકરી ટીકા થઈ રહી છે.