વિશેષસ્પોર્ટસ

નાદાલની ધોનીવાળી; વધતી ઉંમરે હાર છતાં નિવૃત્તિ અંગે અવઢવમાં

Text To Speech

28 મે, પેરીસ: ફેંચ ઓપન જેમાં સ્પેનના રફેલ નાદાલનો હંમેશાં દબદબો રહ્યો છે તેના પહેલા જ રાઉન્ડમાં તેની હાર થઇ છે. ગઈકાલે એલેકઝાન્ડર ઝ્વેરેવ સામે નાદાલની 6-3, 7-6 (7/5) અને 6-3 એમ સીધા સેટ્સમાં હાર થઇ હતી.

નાદાલ હવે ઉંમરના એવા પડાવે છે કે જ્યાં હવે તે વધુ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ જીતી શકે તેમ નથી. પોતાની સહુથી મનગમતી અને જ્યાં તેનો સિક્કો બોલતો હતો તેવી ફ્રેંચ ઓપનના પહેલા જ રાઉન્ડમાં સીધા સેટમાં હાર થવી એ દર્શાવે છે કે નાદાલ હવે પહેલા જેવો ખેલાડી રહ્યો નથી.

તેમ છતાં હજી સુધી પોતાની નિવૃત્તિની કોઈજ ઈચ્છા ન હોવાનું તેણે કહ્યું હતું. મેચ પત્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા નાદાલે કહ્યું હતું કે, ‘મને ખબર નથી કે આ મારી અહીં (ફ્રેંચ ઓપનમાં) છેલ્લી મેચ હતી કે નહીં. હું આ બાબતે 100% ખાતરી સાથે ન કહી શકું, પરંતુ હું અહીં આવીને ફક્ત એન્જોય કરવા માંગતો હતો. આજની લાગણીને શબ્દોમાં વર્ણવી એ મારા માટે મુશ્કેલ છે.

રફેલ નાદાલની ઉંમર વધતી ચાલી છે એ તો તેની એક તકલીફ છે જ પરંતુ તે હવે વધુને વધુ ઈજાગ્રસ્ત પણ થવા લાગ્યો છે. 2023 જાન્યુઆરી બાદ જો ગઈકાલની મેચને પણ આવરી લઈએ તો નાદાલ આ દોઢ વર્ષમાં ફક્ત ચાર ATP Tour ટુર્નામેન્ટમાં રમી શક્યો છે.

ઈજા અને વધતી ઉંમરને કારણે પોતાનું શ્રેષ્ઠ ટેનીસ ન રમી શકનાર નાદાલ જે એક સમયે વર્લ્ડ નંબર વન તરીકે પંકાતો હતો તે આજે છેક 275માં સ્થાને આવી ગયો છે. આટલું જ નહીં જે ફ્રેંચ ઓપનને તેણે વારંવાર જીતી છે ત્યાં પણ આ વખતે તેને સીડ આપવામાં આવી ન હતી.

રફેલ નાદાલે અત્યાર સુધી 22 ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ જીતી છે અને ભવિષ્ય માટે તેણે તમામ દ્વાર ‘100% ખુલ્લા રાખ્યા છે’ તેમ તેણે જણાવ્યું હતું.

ગઈકાલની મેચમાં બીજા અને ત્રીજા સેટ્સમાં નાદાલે ઝ્વેરેવની સર્વિસ એક-એક વખત બ્રેક કરી હતી પરંતુ તેનાથી ઘણા યુવાન એવા ઝ્વેરેવે પણ નાદાલની સર્વિસ બ્રેક કરી દેતાં તેણે મેચને પોતાના કબજામાં જાળવી રાખી હતી.

એક સમયે મેદાન પર તેની એન્ટ્રી થતાં જ દર્શકો દ્વારા ‘રાફા, રાફા’ની બૂમો પાડવામાં આવી રહી હતી તે તેની પહેલી જ ગેમમાં ‘love’ થી સર્વિસ બ્રેક થતાં બંધ થઇ ગઈ હતી.

Back to top button