ફિલિપીન્સ: લાઈવ શોમાં રેડિયો જોકીની ગોળી મારીને કરાઈ હત્યા
મનિલા: ફિલિપીન્સમાં લાઈવ પ્રોગ્રામ દરમિયાન એક રેડિયો જોકીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આરોપી રેડિયો બ્રોડકાસ્ટર જુઆન જુમાલોના રેડિયો સ્ટેશનમાં ઘૂસી ગયો હતો. અને ત્યાં પહોંચીને શો સાંભળવાનો ઢોંગ કરી રહ્યો હતો. જુમાલોન દક્ષિણી ટાપુ મિંડાનાઓ પર તેના હોમ સ્ટુડિયોમાંથી શો બ્રોડકાસ્ટ કરી રહ્યા હતા ત્યારે બંદૂકધારીએ તેને માથામાં ગોળી મારી દીધી હતી. આ સમગ્ર ઘટના સ્ટુડિયોમાં લાગેલા કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી.
પોલીસનું કહેવું છે કે હત્યારાએ કહ્યું હતું કે તે જાહેરાત કરવા માટે રેડિયો સ્ટેશન જઈ રહ્યો હતો. આ પછી તેણે રેડિયો જોકીના માથામાં રિવોલ્વરથી ગોળી મારી દીધી હતી. જુમાલોનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરાયા હતા. હત્યાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે હુમલાખોરે બ્રોડકાસ્ટરને બે વાર ગોળી મારી હતી અને ભાગતા પહેલા તેની સોનાની ચેઈન પણ છીનવી લીધી હતી. રેડિયો જોકીને શા માટે ગોળી મારવામાં આવી તે હજુ સુધી જાણી શકાયું નથી.
મીડિયા સિક્યોરિટી પર પ્રેસિડેન્શિયલ ટાસ્ક ફોર્સના વડા પોલ ગુટેરેસે રવિવારે જણાવ્યું હતું કે હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસે આ હત્યાની નિંદા કરી છે. તેમણે ગુનેગારોને વહેલી તકે પકડવા આદેશ આપ્યો છે. માર્કોસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આપણી લોકશાહીમાં પત્રકારો પરના હુમલાને સહન કરવામાં આવશે નહીં અને જેઓ પ્રેસની સ્વતંત્રતા માટે જોખમ ઊભું કરે છે તેમને તેમના કાર્યોના પરિણામોનો સામનો કરવો પડશે.”
જો કે, નેશનલ યુનિયન ઓફ જર્નાલિસ્ટ્સ ઓફ ફિલિપીન્સ (NUJP) અનુસાર, ગયા વર્ષે જૂનમાં રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસે પદ સંભાળ્યું ત્યારથી જુમાલોન ફિલિપીન્સમાં માર્યા ગયેલા ચોથા પત્રકાર છે. ફિલિપીન્સ પત્રકારો માટે વિશ્વની સૌથી ખતરનાક જગ્યાઓમાંથી એક છે.
આ પણ વાંચો: યુપીમાં કિશોરીની આત્મહત્યા કેસના આરોપીની દુકાન પર ચાલ્યું બુલડોઝર