IPL-2024વિશેષસ્પોર્ટસ

અશ્વિનની CSKમાં ઘરવાપસી? ટીમમાં મળી મહત્વની જવાબદારી

Text To Speech

6 જૂન, ચેન્નાઈ: ટીમ ઇન્ડિયાના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની CSKમાં ઘરવાપસી થઇ ચૂકી છે. જો તાજા સમાચારો ઉપર નજર નાખવામાં આવે તો એવી પૂરેપૂરી શક્યતાઓ છે કે CSK 2025ની IPLમાં અશ્વિનને ફરીથી પોતાની ટીમમાં સામેલ કરી લેશે. CSKના CEO કાશી વિશ્વનાથને ભારતની ખ્યાતનામ ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં આ બાબત સ્પષ્ટ કરી હતી.

વિશ્વનાથને જણાવ્યું હતું કે રવિચંદ્રન અશ્વિન ભારત ઉપરાંત વિદેશોમાં ચાલી રહેલી CSKની વિવિધ એકેડમીની જવાબદારી પણ સંભાળશે. આ એકેડમીઓ એ ફ્રેન્ચાઇઝીઓ હોઈ શકે છે જે CSK દ્વારા બે વર્ષ અગાઉ સાઉથ આફ્રિકા અને અમેરિકામાં ખરીદવામાં આવી હતી.

આ હકીકત એ વાત પણ સ્પષ્ટ કરે છે કે આવતા વર્ષે અશ્વિનની CSKમાં ઘરવાપસી ચોક્કસ થઇ રહી છે. કાશી વિશ્વનાથને જણાવ્યું હતું કે અશ્વિન એ તમિલનાડુ અને ભારતના મહાન ખેલાડીઓમાંથી એક છે અને તેની ઉપસ્થિતિને કારણે CSKના હાઈ પરફોર્મન્સ સેન્ટર્સ અને તેમની એકેડમીઓને ઘણું પ્રોત્સાહન મળશે. આ સેન્ટર ચેન્નાઈ શહેરની બહાર સ્થિત હશે,

વિશ્વનાથને આગળ જણાવ્યું હતું કે તેમણે અશ્વિનને ફરીથી સાઈન કરી લીધો છે. હવે તે CSK Ventureનો ભાગ બની ગયો છે અને TNCA ફર્સ્ટ ડિવીઝનમાં ઇન્ડિયા સિમેન્ટ્સ માટે પણ તે રમશે.

અત્રે એ નોંધનીય છે કે રવિચંદ્રન અશ્વિન હાલમાં 37 વર્ષનો છે અને તેણે હાલમાં જ અનીલ કુંબલે બાદ ટેસ્ટ મેચોમાં ભારત માટે 500 વિકેટો લેનારા બીજા બોલર તરીકેની સિદ્ધિ હાંસલ કરી છે. અશ્વિને ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝી માટે 2009થી 2015 સુધી પોતાનું ક્રિકેટ રમ્યું હતું.

આ વર્ષે 2025ની IPL માટે મેગા ઓક્શન આયોજિત થવાનું છે જેમાં જો અશ્વિન ભાગ લેશે તો CSK તેમના માટે બોલી લગાવી શકે છે અને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે.

એક શક્યતા એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે રવિચંદ્રન અશ્વિન કદાચ IPLમાંથી નિવૃત્તિ લઇ લે અને ફક્ત ઇન્ડિયા સિમેન્ટ્સ વતી રમે અને ઉપર જણાવ્યા અનુસાર CSKની વિવિધ ટ્રેનીંગ સંસ્થાઓ માટે પોતાની સેવા આપે. આ રીતે તેઓ મેગા ઓક્શન દ્વારા ફ્રેન્ચાઈઝી પર પોતાને ખરીદવા માટે ભાર મુકવાથી બચી શકે છે.

રવિચંદ્રન અશ્વિન ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપરાંત દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વતી રમી ચૂક્યો છે અને છેલ્લા અમુક વર્ષોથી તે રાજસ્થાન રોયલ્સનો ભાગ રહ્યો છે.

Back to top button