‘420’ વિકેટ સાથે આર.અશ્વિન બન્યો ભારતનો નંબર વન સ્પિનર
કાનપુર, 27 સપ્ટેમ્બર : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી આર અશ્વિને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
આ મેચમાં અશ્વિને બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસેન શાંતોને આઉટ કરતાની સાથે જ તે એશિયામાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો હતો. તેણે આ ખાસ યાદીમાં પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી અનિલ કુંબલેને હરાવ્યો છે. અનિલ કુંબલે આ લિસ્ટમાં 419 વિકેટ સાથે પહેલા નંબર પર હતો, પરંતુ હવે એશિયામાં અશ્વિનના નામે 420 વિકેટ છે.
આ ખેલાડીઓ હજુ પણ અશ્વિન કરતા આગળ છે
એશિયામાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં આર અશ્વિન ભલે ટોચ પર હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તે હજુ પણ પાછળ છે. એશિયામાં સૌથી વધુ વિકેટ મુથૈયા મુરલીધરનના નામે છે. મુથૈયા મુરલીધરને એશિયામાં 612 વિકેટ લીધી છે. જો કે આ યાદીમાં અશ્વિન બીજા સ્થાને છે. મુથૈયા મુરલીધરનને પાછળ છોડવા માટે તેને 193 વિકેટની જરૂર છે. જે ખૂબ જ મુશ્કેલ કાર્ય બની રહેશે.
એશિયામાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
- મુથૈયા મુરલીધરન – 612 વિકેટ
- આર અશ્વિન – 420 વિકેટ
- અનિલ કુંબલે – 419 વિકેટ
- રંગના હેરાથ – 354 વિકેટ
- હરભજન સિંહ – 300 વિકેટ
અશ્વિન શાનદાર ફોર્મમાં છે
ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી શ્રેણી દરમિયાન શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. જ્યારે ભારતે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ જીતી હતી ત્યારે તેમાં આર.અશ્વિનની ભૂમિકા ઘણી મહત્વની હતી. ચેન્નાઈમાં રમાયેલી તે મેચની પ્રથમ ઈનિંગ દરમિયાન તેણે શાનદાર સદી ફટકારી હતી. તેણે છેલ્લી ઇનિંગ્સમાં 6 વિકેટ પણ લીધી હતી. તેના શાનદાર પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયાએ તે મેચમાં બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું હતું. આ મેચમાં તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.