ક્વીન-એલિઝાબેથ -2 ના પાર્થિવ દેહને સ્કોટલેન્ડ લાવવામાં આવ્યો, 19 સપ્ટેમ્બરે લંડનમાં થશે અંતિમ સંસ્કાર
બ્રિટનની સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II ની શબપેટીને એબરડીનશાયરના બાલમોરલ કેસલથી રવિવારે સ્કોટલેન્ડમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન હોલી રૂડ હાઉસ પેલેસમાં લાવવામાં આવી હતી. આ દરમિયાન રાણીની અંતિમ યાત્રામાં સામેલ થવા માટે રસ્તામાં હજારો લોકોની ભીડ એકઠી થઈ હતી.
એલિઝાબેથ II ના સૌથી મોટા પુત્ર કિંગ ચાર્લ્સ III ના શબ્દોમાં, 19 સપ્ટેમ્બરના રોજ લંડનમાં તેમના અંતિમ સંસ્કાર પહેલા તેમની માતાની ‘છેલ્લી મહાન યાત્રા’ના પ્રથમ તબક્કાનો અંત હતો. છ કલાકની મુસાફરી બાદ બાલમોરલ કેસલથી હોલીરુડહાઉસ પેલેસમાં લાવવામાં આવેલી રાણીની શબપેટીને સોમવારે બપોર સુધી મહેલના થ્રોન રૂમમાં રાખવામાં આવશે, જ્યાં રાજવી પરિવારના સભ્યો તેમને શ્રદ્ધાંજલિ આપશે.
રસ્તામાં ઊભેલા લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી
શબપેટીને રોયલ બેનર ‘રોયલ સ્ટાન્ડર્ડ ઓફ સ્કોટલેન્ડ’ માં લપેટવામાં આવી હતી અને તેના પર ફૂલોનો ગુલદસ્તો મૂકવામાં આવ્યો હતો. ક્વીન એલિઝાબેથ IIનું ગુરુવારે બાલમોરલ કેસલમાં અવસાન થયું. તેણી 96 વર્ષની હતી. સાત કારના કાફલા સાથે ભારે પોલીસ દળની હાજરીમાં રાણીના શબપેટીને લઈ જતું વાહન ધીમે ધીમે એડિનબર્ગ તરફ આગળ વધ્યું.
આ દરમિયાન રસ્તામાં ઉભેલા લોકોએ સ્વર્ગસ્થ રાણીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એલિઝાબેથ-IIની પુત્રી પ્રિન્સેસ એની પણ કાફલામાં હાજર રહી હતી. રાણીની શબપેટી અઠવાડિયાના અંતે લંડન લઈ જવામાં આવશે. બકિંગહામ પેલેસે રાજ્યના અંતિમ સંસ્કારની યોજનાઓ પર માહિતી શેર કરી છે.
આ પણ વાંચો: માંડ માંડ બચ્યા ઈમરાન ખાન, ઉડાન ભરતાની સાથે જ ખરાબ થઈ ગયું વિમાન અને પછી…
અંતિમ દર્શન ક્યાં થશે?
આ અંતર્ગત સોમવારે 19 સપ્ટેમ્બરે વેસ્ટમિંસ્ટર એબીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ દિવસને બ્રિટનમાં સરકારી રજા જાહેર કરવામાં આવી છે. અંતિમ સંસ્કાર પહેલા, સ્વર્ગસ્થ રાણીના મૃતદેહને ચાર દિવસ સુધી સંસદ સંકુલની અંદર વેસ્ટમિન્સ્ટર હોલમાં રાખવામાં આવશે જેથી બ્રિટિશ લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી શકે.
શનિવારે રાણીને તેના વિન્ડસર, બાલમોરલ અને લંડનના આવાસ પર હજારો લોકો પુષ્પાંજલિ અર્પણ કરવા માટે એકઠા થયા હતા. નવા રાજા ચાર્લ્સ III ના રાજ્યાભિષેકની ઘોષણા કરવા માટે બ્રિટનમાં તમામ મહેલો અને સરકારી ઇમારતો ઉપર ઉંચા ધ્વજ ઉભા કરવામાં આવ્યા હતા અને રાજ્યના શોક માટે રવિવારે તેને અર્ધ-માસ્ટ પર નીચે ઉતારવામાં આવશે.