દૂધમાં ભેળસેળની તપાસ માટે મોટી સંખ્યામાં સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા
ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) દ્વારા દૂધ અને દૂધની બનાવટોમાં ભેળસેળ રોકવા માટે દેશભરમાંથી 10,000થી વધુ નમૂનાઓ એકત્ર કરાયા છે. આ અંગે QCIના સેક્રેટરી જનરલ રાજેશ મહેશ્વરીએ અમદાવાદ ખાતે QCIના નવા કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે જણાવ્યું હતું. આ ઉદ્ધાટન પ્રસંગે QCIના ચેરમેન જક્ષય શાહે જણાવ્યું કે, QCI કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. તેમણે કહ્યું કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) સાથે કામ કરી રહ્યા છીએ,જે દૂધ અને દૂધની બનાવટોનો સમગ્ર ભારતમાં સર્વે કરી રહી છે.આ સર્વે દ્વારા જાણ થઈ જશે દેશના કયા કયા ક્ષેત્રોમાં ભેળસેળ ચાલી રહી છે.
દિલ્હી, બેંગલુરુ અને કોલકાતા પછી ભારતમાં આ ચોથી QCI ઓફિસ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત જેવા રાજ્ય માટે દૂધ અને દૂધના ઉત્પાદનોનું પરીક્ષણ કરવાનું પગલું નોંધપાત્ર છે જ્યાં છેલ્લા કેટલાક મહિનામાં કચ્છ અને ઉત્તર ગુજરાત પ્રદેશોમાં અમૂલ દૂધ અને દૂધની બનાવટોમાં ભેળસેળની ફરિયાદો નોંધાઈ છે. ખાસ વાત એ છે કે, ભેળસેળ રોકવા માટે ટોચની બે સંસ્થાઓ સર્વે કરી રહી છે. એક ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને બીજી એજન્સી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) છે.
આ ઉપરાંત 16 ઑક્ટોબરે QCI એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) સાથે વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને ઉદ્યોગો માટે તાલીમ અને ક્ષમતા-નિર્માણ પ્રવૃત્તિઓ કરવા માટે એક સમજૂતી કરાર (MOU) પર પણ હસ્તાક્ષર કર્યા હતા. QCI અગાઉ ગુજરાતની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને લઈને પણ સર્વે કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ જક્ષય શાહની QCI ના ચેરમેન તરીકે નિમણુંક