25 મે, કુઆલાલમ્પુર: ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને બે વખત ઓલિમ્પિક મેડાલીસ્ટ પીવી સિંધુની મલેશિયન માસ્ટર્સની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી થઇ ગઈ છે. મલેશિયન માસ્ટર્સ મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરમાં રમાઈ રહી છે. પીવી સિંધુએ થાઈલેન્ડની બુસાન્ન ઓંગબમરૂંગફનને હારાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.
પીવી સિંધુએ થાઈલેન્ડની ખેલાડીને સેમીફાઈનલમાં 13-21, 21-16 અને 21-12 થી હરાવી હતી અને વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
અત્રે એ નોંધનીય છે કે પીવી સિંધુની મલેશિયન માસ્ટર્સની ફાઈનલમાં એન્ટ્રી તો થઇ ગઈ છે પરંતુ તેની કોઇપણ ટુર્નામેન્ટની ફાઈનલમાં એન્ટ્રી લગભગ એક વર્ષના અંતરે થઇ છે. છેલ્લે પીવી સિંધુએ 2023માં ફાઈનલ રમી હતી જે સ્પેન માસ્ટર્સની હતી.
સિંધુ પહેલો સેટ 13-21થી હારી ગઈ હતી પરંતુ ત્યારબાદના બે સેટમાં તેણે જબરદસ્ત કમબેક કર્યું હતું. ત્યારબાદના બંને સેટ્સ પીવી સિંધુએ સરળતાથી 21-16 અને 21-12થી જીતી લીધા હતા.
ફાઈનલ મુકાબલો આવતીકાલે એટલેકે રવિવારે રમાશે જેમાં પીવી સિંધુનો મુકાબલો ચીનની વોંગ ઝીયી સાથે થશે.
પીવી સિંધુએ સેમીફાઈનલ રમતા અગાઉ શુક્રવારે ચીનની શટલર હા યુ જે વર્લ્ડ નંબર 6 છે તેને હરાવી હતી. ક્વાર્ટર ફાઈનલમાં પણ સિંધુએ ત્રણ સેટમાં મેચ જીતી હતી. 55 મિનીટ્સ ચાલેલી આ મેચનો સ્કોર રહ્યો હતો 13-21, 21-14 અને 12-21 રહ્યો હતો.
આ અગાઉ ટુર્નામેન્ટમાં ભારતીયની મહિલા ડબલ્સની જોડી સિમરન સાંઘી અને રીતિકા ઠાકર મલેશિયાની જોડી પર્લી તાન અને થીનાહ મુરલીધરન સામે તેમની બીજા રાઉન્ડની મેચ 21-17 અને 21-11થી હારી ગઈ હતી.
જ્યારે એક અન્ય ભારતીય મહિલા શટલર્સની જોડી ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ પણ ચાઇનીઝ તાઈપેઈની યુ ચીએન હુઈ અને સુંગ શોઉ યુન સામે પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મેચ 18-21, 22-20 અને 14-21થી હારી ગઈ હતી.
મલેશિયન માસ્ટર્સ કુઆલાલમ્પુર, મલેશિયામાં 21થી 26 મે વચ્ચે આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધાને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એટલેકે BWF દ્વારા માન્યતા પ્રાપ્ત છે. ઉપરાંત આ ટુર્નામેન્ટને સુપર 500 લેવલની ગણવામાં આવે છે. પીવી સિંધુએ માસ્ટર્સ કોમ્પીટીશનમાં આ અગાઉ 2013 અને 2016માં ટાઈટલ્સ જીત્યા છે. તો સાઈના નેહવાલે પણ 2017માં આ પ્રકારે માસ્ટર્સ ટુર્નામેન્ટનું ટાઈટળ જીત્યું હતું.
ગયા વર્ષે એચએસ પ્રનોયે ગયા વર્ષે આ ટાઈટલ જીતી લીધું હતું.