પીવી સિંધુ અને એચએસ પ્રણોયનો મલેશિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ


ઓલિમ્પિક ગેમમાં બે વખત મેડલ વિજેતા પીવી સિંધુએ મલેશિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. તેણે ગુરુવારે રમાયેલી મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં થાઈલેન્ડની ફિતાયાપોર્ન ચેઈવાનને પરાજય આપ્યો હતો. વર્લ્ડ નંબર 7 સિંધુએ તેની થાઈલેન્ડની હરીફને 57 મિનિટના બીજા રાઉન્ડમાં 19-21, 21-9, 21-14થી હરાવી હતી.
ભારતીય પીવી સિંધુ આગામી રાઉન્ડમાં કટ્ટર હરીફ ચીની તાઈપેઈની તાઈ ત્ઝુ યિંગ સામે ટકરાશે. સિંધુ પ્રથમ ગેમમાં 19-21થી હારી ગઈ હતી. ત્યારબાદ બીજી ગેમમાં તેણે પુનરાગમન કર્યું અને મેચ 21-9થી જીતી લીધી અને મેચને ત્રીજી ગેમમાં લઈ ગઈ. ત્રીજી ગેમમાં થાઈલેન્ડની ખેલાડીએ પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સિંધુએ 21-14થી જીત નોંધાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
વર્લ્ડ નંબર 21 એચએસ પ્રણોયે પણ મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેણે ચોથા ક્રમાંકિત ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેનને સતત બે વખત ગેમમાં 21-15, 21-7થી હરાવ્યો હતો.