યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે પુતિન આવતીકાલે શી જિનપિંગ સાથે વાતચીત, વિશ્વભરની રહેશે નજર
રશિયા અને યુક્રેન યુદ્ધને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં એક વર્ષ પૂર્ણ થશે. આવી સ્થિતિમાં ન તો રશિયા પીછેહઠ કરવાના મૂડમાં છે અને ન તો યુક્રેને શસ્ત્રો મૂકવાનું મન બનાવ્યું છે. હવે એવા અહેવાલ છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતીકાલે શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે. જો કે, બંને નેતાઓ વચ્ચેની આ વાતચીત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે, જેમાં દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. પુતિન યુક્રેન યુદ્ધ અને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો જેવા મુદ્દાઓ પર શી સાથેની ભાગીદારીને મજબૂત કરવા માંગે છે.
શું ચર્ચાઓ થશે ?
પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે પ્રથમ તેઓ રશિયા-ચીન સંબંધો વિશે વાત કરશે. આ સાથે પ્રાદેશિક સમસ્યાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. રશિયા અને ચીન માટે મહત્વના એવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયાના હુમલા બાદથી રશિયા ચીન સાથે પોતાના આર્થિક, રાજકીય અને સુરક્ષા સંબંધોને ગાઢ બનાવી રહ્યું છે.
બંને દેશો કેટલીક બાબતોએ એકબીજાની પડખે
થોડા દિવસો પહેલા બંને દેશો વચ્ચે નો લિમિટ વ્યૂહાત્મક ભાગીદારી હતી. ચીન પણ તેલ માટે રશિયા પર વધુ નિર્ભર બન્યું છે. રશિયાના તેલ પર યુરોપિયન યુનિયનના પ્રતિબંધો વચ્ચે ચીન રશિયા પાસેથી વધુ તેલ ખરીદી રહ્યું છે. આ સાથે જ રશિયાએ પણ તાઈવાન મુદ્દે શી જિનપિંગના સ્ટેન્ડનું જાહેરમાં સમર્થન કર્યું છે.