ભારત, ચીન અને બ્રાઝીલ મધ્યસ્થી બનશે, યૂક્રેન જંગ વચ્ચે પુતિનની મોટી જાહેરાત
રશિયા, 5 સપ્ટેમ્બર : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ફેબ્રુઆરી 2022માં શરૂ થયું હતું. છેલ્લા અઢી વર્ષથી આ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ ખતમ કરાવવા માટે ભારત ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. ભારત ઈચ્છે છે કે, વાતચીત દ્વારા આ યુદ્ધનો અંત આવી જાય. આ માટે ભારતે રશિયા અને યુક્રેન બંને સાથે ચર્ચા કરી છે. હવે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પણ એ વાત સ્વીકારી છે કે, ભારત યુક્રેન યુદ્ધ રોકી શકે છે. જોકે, પુતિને ભારતની સાથે પોતાના દુશ્મન દેશ ચીનને પણ ક્રેડિટ આપ્યું છે. પુતિને એવું કહ્યું કે, ભારત, ચીન તથા બ્રાઝિલ જ રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થતા કરી શકે છે. પુતિને કહ્યું કે, હું યુક્રેન સાથે યુદ્ધમાં સમાધાન અંગે ચર્ચા-વિચારણ કરવા માટે તૈયાર છું.
પુતિને કહ્યું કે, ભારત, ચીન અને બ્રાઝિલ યુક્રેન પર સંભવિત શાંતિ વાર્તામાં મધ્યસ્થતાની ભૂમિકા નિભાવી શકે છે. પુતિને કહ્યું કે, યુદ્ધના પ્રથમ અઠવાડિયામાં ઈસ્તંબુલમાં વાટાઘાટમાં રશિયા તથા યુક્રેનના અધિકારીઓ વચ્ચે પ્રારંભિક સમજૂતી થઈ હતી, જેને ક્યારેય પણ લાગુ નહોતી કરવામાં આવી. આ સમજૂતી જ વાતચીત માટેનો આધાર બની શકે છે.
PM મોદીના પ્રવાસ બાદ પુતિનનું નિવેદન
પીએમ મોદીના રશિયા અને યુક્રેન પ્રવાસ પછી પુતિનનું આ નિવેદન સામે આવ્યું છે. PM મોદી આશરે બે મહિના પહેલા 8 જુલાઈના રોજ રશિયાની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે પુતિન સાથે યુદ્ધ રોકવાની વાત કરી હતી. તેના થોડા સમય બાદ જ પીએમ મોદી 23 ઓગસ્ટના રોજ યુક્રેનની પ્રથમ મુલાકાતે ગયા હતા. અત્યાર સુધી પુતિન ક્યારેય યુક્રેન સાથે ચર્ચા અંગે ખુલીને નહોતા બોલ્યા. પરંતુ આ પ્રથમ વાર છે જ્યારે પુતિને કહ્યું કે, હું યુક્રેન સાથે યુદ્ધ અંગે સમાધાન માટે ચર્ચા કરવા માટે તૈયાર છું. પરંતુ આ સાથે જ તેમણે એવા પણ સંકેત આપી દીધા છે કે, રશિયાને માત્ર ને માત્ર ભારત, ચીન અને બ્રાઝિલની જ મધ્યસ્થતા સ્વીકાર છે.
અગાઉ યુદ્ધ રોકવા માટે રાખી હતી આ શરતો
આ અગાઉ ફેબ્રુઆરી 2022માં યુદ્ધના પ્રારંભમાં જ રશિયા અને યુક્રેન વચ્ચે તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં અનેક રાઉન્ડની ચર્ચાઓ થઈ હતી. તેનો ઉદ્દેશ યુદ્ધને રોકવાનો હતો. મીડિયા અહેવાલ પ્રમાણે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને યુદ્ધ રોકવા માટે બે શરતો મૂકી હતી. તેમણે કહ્યું હતું કે, યુક્રેનને ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેરસોન તથા ઝપોરિઝિયામાંથી તેના સૈનિકો પાછા બોલાવવા પડશે. આ સિવાય યુક્રેન ક્યારેય NATOમાં નહીં જોડાય. જો કે, યુક્રેને આ શરતો સ્વીકારવાની ના પાડી દીધી હતી.
આ પણ વાંચો : ડીસામાં નવું વાહન ખરીદવાનો અવસર, ઉઠાવો ફાયદો ધિયાન હોન્ડા શો રૂમની દમદાર ઓફરનો