અઝરબૈજાનના વિમાન પર ભૂલથી હુમલો થયાનો રશિયાનો સ્વીકાર, પુતિને માફી માંગી
નવી દિલ્હી, 28 ડિસેમ્બર : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને વિમાન દુર્ઘટના બદલ અઝરબૈજાનના પ્રમુખની માફી માંગી છે. આ માફી સાથે એ સ્પષ્ટ થઈ ગયું કે વિમાનને કોઈ પક્ષી અથડાયું ન હતું પરંતુ રશિયા દ્વારા ભૂલથી હુમલો કરવામાં આવ્યો હતો.
આ દુર્ઘટના બુધવારે કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક થઈ હતી, જ્યારે વિમાને દક્ષિણ રશિયાથી દિશા બદલી હતી. જ્યાં રશિયાને યુક્રેનિયન ડ્રોન દ્વારા હુમલાની માહિતી મળી હતી અને રશિયન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા વિમાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 38 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ફ્લાઈટ J2-8243 નામનું વિમાન અઝરબૈજાનની રાજધાની બાકુથી રશિયાના ગ્રોઝની જઈ રહ્યું હતું. વિમાને દક્ષિણ રશિયાના ગ્રોઝની શહેરમાં ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક વિસ્તારમાં ચાલી રહેલા યુક્રેનિયન ડ્રોન હુમલાઓને કારણે હવાઈ સુરક્ષા ચેતવણી જારી કરવામાં આવી હતી. બાદમાં, પ્લેન કઝાકિસ્તાનના અક્તાઉ શહેર તરફ વળ્યું અને ત્યાં પ્લેન ક્રેશ થયું હતું.
ડ્રોન હુમલાના કારણે બનેલી ઘટના
રશિયાના ક્રેમલિને એક નિવેદનમાં કહ્યું કે પુતિને આ ઘટના માટે અલીયેવની માફી માંગી છે. તેણે તેને ‘રશિયન એરસ્પેસમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના’ ગણાવી હતી. પુતિને પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. ક્રેમલિન અનુસાર, તે સમયે ગ્રોઝનીમાં યુક્રેનિયન ડ્રોન હુમલા થઈ રહ્યા હતા, જેના કારણે રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી.
અઝરબૈજાનની પ્રાથમિક તપાસ
અઝરબૈજાનની અધિકારીઓએ તપાસમાં કહ્યું હતું કે પ્લેનમાં બાહ્ય તકનીકી દખલગીરી હતી, જેના કારણે પ્લેનએ નિયંત્રણ ગુમાવ્યું અને તે કઝાકિસ્તાન તરફ વળ્યું હતું. અઝરબૈજાનના મંત્રી રાશન નબીયેવે પણ કહ્યું કે નિષ્ણાતોના મતે પ્લેન બહારની અસરથી અથડાયું હતું. આ ઘટનાની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે વિમાનની પાંખોમાં બુલેટના છિદ્રો હતા, જે દર્શાવે છે કે તેને રશિયન એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું.
અમેરિકાએ પણ તપાસ કરી
અમેરિકી અધિકારીઓએ પણ આ ઘટનાની તપાસ કરી હતી અને તેને રશિયન એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ઠાર મારવામાં આવી હોવાની શક્યતા માની હતી. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે ‘પ્રારંભિક સંકેતો દર્શાવે છે કે આ વિમાનને રશિયન એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ઠાર કરવામાં આવ્યું હોઈ શકે છે’, જોકે, તેમણે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.
રશિયાએ પક્ષીની અથડામણની વાત કરી હતી
આ દુર્ઘટના બાદ અઝરબૈજાન એરલાઈન્સે રશિયાના કેટલાક એરપોર્ટ પરથી ફ્લાઈટ સ્થગિત કરી દીધી હતી. રશિયાની સિવિલ એવિએશન ઓથોરિટીએ પ્રારંભિક તપાસ દરમિયાન દાવો કર્યો હતો કે વિમાનની ઈમરજન્સી પક્ષીની અથડામણના કારણે થઈ હતી, પરંતુ નિષ્ણાતોએ આ અંગે સવાલો ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો :- SBIમાં આવી મોટી ભરતી, આ પદ ઉપર ફોર્મ ભરવાના થયા શરૂ