કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પુરૂષોત્તમ રૂપાલા 16 એપ્રિલે વિજયમુહૂર્તમાં ચૂંટણી ફોર્મ ભરશે

રાજકોટ, 08 એપ્રિલ 2024, લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલનો કરવામાં આવી રહ્યાં છે. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટેના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ચૂકી છે. 16મી એપ્રિલ સવારે 10:30 વાગે બહુમાળી ભવન ચોક ખાતે રૂપાલા જંગી સભા સંબોધશે અને ત્યાર બાદ તેઓ ભાજપ તરફથી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાના છે.

રૂપાલા ભાજપ પક્ષ તરફથી ઉમેદવારીપત્ર ભરશે
રાજકોટમા ક્ષત્રિય સમાજના અને કરણીસેનાનાં મહિલા આગેવાન પદ્મિનીબા રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્ન ત્યાગ પર રહેશે એવું જાહેર થયું છે. બીજી તરફ, લોકસભા ચૂંટણીના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ જતાં ભાજપ રૂપાલાને ચૂંટણી લડાવવા માટે મક્કમ હોય એવું લાગી રહ્યું છે. પુરુષોત્તમ રૂપાલાને સ્ટાર પ્રચારક જાહેર કરવામાં આવ્યા છે. આજે તેઓ તામિલનાડુમાં ભાજપનો ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.ભાજપના કોર્પોરેટર કેતન પટેલ જણાવે છે, 16મી એપ્રિલે પુરુષોત્તમ રૂપાલા રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે સવારે 10.30 વાગ્યે જંગી સભાને સંબોધવાના છે, જેની વ્યવસ્થાને લઈને આજે સ્થળ નિરીક્ષણ કરવામા આવ્યું હતું. સભા બાદ 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં લોકસભા ચૂંટણી લડવા માટે ભાજપ પક્ષ તરફથી ઉમેદવારીપત્ર ભરશે.

સ્ટાર પ્રચારક રૂપાલા હાલ તામિલનાડુના પ્રવાસે છે
શહેર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા 16મી તારીખે પોતાનું ઉમેદવારીપત્ર ભરવાના છે. આ સમયે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની આગેવાનીમાં ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો, કાર્યકર્તાઓ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. રાજકોટ બેઠક પરથી સૌપ્રથમ ચૂંટણી લડેલા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ સૌરાષ્ટ્રની પ્રજાને અનેક ભેટ આપેલી છે. નર્મદા બંધ અને એનું સૌરાષ્ટ્રમાં સૌની યોજના મારફત પાણી વિતરણ, ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટને મળી છે. બેટ દ્વારકા – ઓખા વચ્ચેનો સિગ્નેચર બ્રિજ, ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસ, રાજકોટ રેલવે ડિવિઝનમાં ડબલ ટ્રેક, ઇલેક્ટ્રિફિકેશન, 6 માર્ગીય હાઈવે સહિતની અનેક ભેટો મળેલી છે.

આ પણ વાંચોઃરામાયણના ‘લંકેશે’ ધ્વસ્ત કર્યો હતો કોંગ્રેસનો સાબરકાંઠાનો ગઢ, જાણો આ વખતે કોનું પલડું ભારે

Back to top button