પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાઃ ભગવંત માન સરકારની બેદરકારી?
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માનસાના જવાહરપુર ગામમાં તેના પર કથિત રીતે ગોળીબાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ગાયકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મુસેવાલાએ કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી પણ લડી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે અજાણ્યા શખ્સોએ પંજાબી ગાયક પર હુમલો કર્યો હતો. મુસેવાલા પર લગભગ 7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, આ હુમલામાં 3 અન્ય લોકો ઘાયલ પણ થયા છે. સિદ્ધુ મુસેવાલા અભ્યાસ કરવા માટે કેનેડા ગયા હતા, ત્યારબાદ, જ્યારે તેઓ પંજાબ પરત ફર્યા તો તેમણે સિંગિંગ શરૂ કર્યું. સિદ્ધુ મુસેવાલા ઘણા વિવાદો સાથે જોડાયેલા હતા. તેમની સુરક્ષા એક દિવસ પહેલા જ પરત ખેંચી લેવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ત્રણ અજાણ્યા હુમલાખોરોએ પંજાબી ગાયક સિદ્ધુ પર ગોળીબાર કર્યો હતો.
#WATCH | Punjabi singer Sidhu Moose Wala was shot by unknown people in Mansa district, Punjab. Further details awaited. pic.twitter.com/suuKT20hEj
— ANI (@ANI) May 29, 2022
પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી હતી. સિંગર પર ફાયરિંગ કરનારા શૂટરોને ઓળખવાનો પ્રયાસ કરવા આસપાસના સીસીટીવી ફૂટેજને સ્કેન કરવાનો પ્રયાસ ચાલુ છે. સિદ્ધુની હત્યા પર બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે મુસેવાલાની સુરક્ષા કેમ હટાવી દેવામાં આવી? સિરસાએ આરોપ લગાવ્યો કે સરકારની બેદરકારીને કારણે સિંગરની હત્યા કરવામાં આવી છે. ભગવંત માન સરકારની આ સૌથી મોટી બેદરકારી છે.
મુસેવાલાનો 63000 મતથી થઈ હતી હાર
મુસેવાલાએ પંજાબના માનસાથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જોકે આ ચૂંટણીમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આમ આદમી પાર્ટીના ડો. વિજય સિંગલાએ મુસેવાલાને 63,323 મતોથી હરાવ્યા હતા. મુસેવાલા 2021ની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ તેમને યુવા આઈકોન કહ્યા હતા.