નેશનલ

પંજાબ : ચંદીગઢ અને મોહાલીને હચમચાવી નાખવાનું પાકિસ્તાનનું કાવતરૂ !

Text To Speech

પંજાબમાં આતંકી હુમલો કરવા માટેના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. દેશની ગુપ્તચર એજન્સીઓએ આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ પંજાબમાં આતંક મચાવવાનું આ ષડયંત્ર રચ્યું છે. ઈન્ટેલિજન્સ એલર્ટ બાદ પંજાબ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને ઠેરઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનું પંજાબને હચમચાવી નાખવાનું ષડયંત્ર છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓએ પંજાબ પોલીસને આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટ જારી કરતી વખતે ગુપ્તચર એજન્સીઓએ કહ્યું કે ISIએ ચંદીગઢ અને મોહાલીમાં હુમલાનું કાવતરું ઘડ્યું છે. એલર્ટ મુજબ આતંકવાદીઓ ચંદીગઢ અને મોહાલીમાં હુમલો કરી શકે છે અને બસ સ્ટેન્ડને નિશાન બનાવી શકે છે.

પંજાબ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પણ આતંકી હુમલાનું એલર્ટ

ગુપ્તચર એજન્સીઓએ પંજાબ પોલીસ, જીઆરપી, રાજ્ય ગુપ્તચર એજન્સીને એકબીજા સાથે સંકલન કરીને ઈનપુટ્સ પર કામ કરવા કહ્યું છે. વધુમાં 3 દિવસ પહેલા ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સંગઠન TRFમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું હતું. ગુપ્તચર એજન્સીઓ તરફથી એવા ઇનપુટ છે કે TRF આતંકવાદીઓ અહીં જમ્મુ-કાશ્મીરમાં સ્થાયી થયેલા સરપંચ, પંચ, મજૂરો અને બિન-સ્થાનિક નાગરિકોને નિશાન બનાવી શકે છે. અત્યાર સુધીના ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સ અનુસાર આતંકીઓને લાગે છે કે અમરનાથ યાત્રા પૂરી થયા બાદ સુરક્ષા દળો રિલેક્સ મોડમાં છે. આતંકવાદીઓ આનો ફાયદો ઉઠાવીને મોટા હુમલાની યોજના બનાવી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં તબાહી મચાવવાની જવાબદારી કોને સોંપાઈ ?

એલર્ટ અનુસાર, લશ્કરના ફ્રન્ટ સંગઠન TRFના કાશ્મીર કમાન્ડર બાસિત અહમદ ડારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા કરવા માટે સોફ્ટ ટાર્ગેટ નક્કી કર્યા છે. જમ્મુ-કાશ્મીરમાં હાજર સરપંચ, પંચ, મજૂર અને બહારના લોકો પર હુમલો કરવાનું કામ TRF આતંકવાદીઓ યાસિર બિલાલ ભટ્ટ, ઈરફાન અહેમદ ભટ્ટ લોન, સાકિબ અહેમદ લોનને આપવામાં આવ્યું છે.

Back to top button