પંજાબઃ સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ, આજે અંતિમ સંસ્કાર
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં અત્યાર સુધીમાં લગભગ 8-10 લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે પંજાબના મોગામાંથી આ કેસ સાથે સંબંધિત અન્ય એક કાર મળી આવી છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો ભેદ ઉકેલવામાં વ્યસ્ત SITએ તપાસ તેજ કરી છે. ત્રણ રાજ્યોની પોલીસ એલર્ટ પર છે અને પંજાબ, દિલ્હી અને ઉત્તરાખંડની પોલીસને પણ આ હત્યા સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળવાની વાત સામે આવી રહી છે. આજે સિદ્ધુ મૂસેવાલાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તે સમયે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે.
8 થી 10 લોકો કસ્ટડીમાં
એટલું જ નહીં, આ હત્યાકાંડમાં પંજાબ પોલીસે મોગામાંથી એક અલ્ટો કાર મળી આવી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે હત્યા કર્યા બાદ હુમલાખોરો આ કારમાંથી ભાગી ગયા હતા. કાર પર હરિયાણાની નંબર પ્લેટ છે, જે નકલી હોવાનું કહેવાય છે. આ સિવાય અત્યાર સુધીમાં પોલીસે 8 થી 10 લોકોને કસ્ટડીમાં લીધા છે, જ્યારે હત્યામાં સંડોવાયેલા બે વાહનો પણ કબજે કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ચાર સીસીટીવી કેમેરાની મદદથી હત્યારાઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. ઉત્તરાખંડ પોલીસે મૂસેવાલા હત્યા કેસમાં 6 શકમંદોની પણ ધરપકડ કરી છે. તે ગેંગસ્ટર લોરેન્સ ગેંગનો શાર્પ શૂટર હોવાની શંકા છે.
ચુસ્ત સુરક્ષા વચ્ચે પોસ્ટમોર્ટમ
ચુસ્ત સુરક્ષા વચ્ચે માનસામાં સિંગર સિદ્ધુ મૂસેવાલાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સિનિયર ડૉક્ટર્સની પેનલે પોસ્ટમોર્ટમ કર્યું હતું, જેથી પીએમ રિપોર્ટમાં તમામ કારણો બહાર આવી શકે અને તપાસમાં કોઈ ખામી ન રહે. ત્યારબાદ, જે માહિતી સામે આવી છે તે ચોંકાવનારી છે. જણાવવામાં આવ્યું કે પોસ્ટમોર્ટમ દરમિયાન મૂસેવાલાના શરીર પર 19 ઘા મળી આવ્યા હતા અને હુમલાખોરની એક ગોળી મુસેવાલાના શરીરમાંથી મળી આવી હતી. આટલું જ નહીં મૂસેવાલાના હાથ અને જાંઘ પર ઘણા ઘા પણ જોવા મળ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૂસેવાલાના મોતનું કારણ વધુ પડતો આંતરિક રક્તસ્ત્રાવ હોવાનું બહાર આવ્યું હતું.