16 મે, ગુવાહાટી: આ મહિનાની શરૂઆત સુધી શાનદાર દેખાવ કરનાર પરંતુ ત્યારબાદ માર્ગ ભટકી ગયેલા રાજસ્થાન રોયલ્સને પંજાબ કિંગ્સ દ્વારા બરાબરનો પાઠ ભણાવવામાં આવ્યો છે. પોતાના જ બીજા હોમ ગ્રાઉન્ડમાં પીચના સ્વભાવને બરાબર ન ઓળખી શકનાર રાજસ્થાનના ખેલાડીઓને આ હાર સહુથી વધુ તકલીફ આપશે તેમાં શંકાને સ્થાન નથી.
પહેલી બેટિંગ કરતાં રાજસ્થાન રોયલ્સને પોતાના જ હોમ ગ્રાઉન્ડની પીચ સમજવામાં તકલીફ પડવા લાગી હતી. સામાન્ય રીતે ગુવાહાટીની આ પીચ બેટિંગ પીચ હોય છે અને તે T20 મેચોમાં મોટા મોટા સ્કોર્સ માટે જાણીતી છે. પરંતુ આ મેચ માટે બનાવેલી પીચ સહેજ ધીમી હતી જેને કારણે શોટ્સ મારવાનો પ્રયાસ કરનારા રાજસ્થાનના બેટ્સમેનોને તકલીફ પડી હતી અને તેઓ વિકેટ ગુમાવવા માંડ્યા હતા.
લોકલ બોય રિયાન પરાગ જે આમ પણ સમગ્ર સિઝનમાં ફોર્મમાં જોવા મળ્યો છે તેણે પોતાની ટીમને ટેકો આપ્યો નહીં તો આ મેચમાં રાજસ્થાન રોયલ્સની આનાથી પણ શરમજનક હાર જરૂર થઇ હોત. પરાગ સિવાય ટીમનો કોઈ પણ બેટ્સમેન ટકીને રમી શક્યો નહીં અને પરિણામે રાજસ્થાન રોયલ્સે પોતાની 20 ઓવર્સમાં ફક્ત 144 રનનો સ્કોર ઉભો કર્યો હતો જે આ પીચ પર લગભગ 30 રન ઓછો હતો.
પંજાબ કિંગ્સની શરૂઆત પણ સારી રહી ન હતી. તેના ટોચના ચાર બેટ્સમેન ફક્ત 48 રનના ટીમના સ્કોર સુધીમાં આઉટ થઇ ગયા હતા. પરંતુ ત્યારબાદ કેપ્ટન સેમ કરને મોરચો સંભાળ્યો હતો. અત્યાર સુધી ફોર્મ વિહોણા રહેનારા જીતેશ શર્માએ તેને બરાબર સાથ આપ્યો હતો. એક સમયે એક એક રન માટે સંઘર્ષ કરી રહેલા પંજાબના બેટ્સમેનો જરૂર પડે દરેક ઓવરમાં એટલીસ્ટ એક ફોર કે સિક્સ મારવા માંડ્યા.
આમ થવાને કારણે તેમના પર દબાણ ઓછું થવા લાગ્યું હતું. જીતેશ બાદ કરનને સાથ આપ્યો આ ટુર્નામેન્ટની શોધ કહી શકાય તેવા આશુતોષ શર્માએ. તેણે અને કરને શરૂઆતની ઓવરોમાં પંજાબને પરેશાન કરનાર આવેશ ખાનને બરાબર ધોઈ નાખ્યો હતો અને પોતાની ટીમને જીત અપાવી હતી.
રાજસ્થાન રોયલ્સ ઓલરેડી પ્લેઓફ્સ માટે ક્વોલીફાય થઇ ચૂક્યા છે પરંતુ તેઓ તેમની છેલ્લી સળંગ ચાર મેચો હારી ગયા છે. આમ તેમને હવે ટોચના બે સ્થાનો મળશે કે કેમ તેના વિશે શંકા છે. જ્યારે પંજાબ કિંગ્સ પ્લેઓફ્સની રેસમાંથી ક્યારના બહાર થઇ ગયા છે તેમ છતાં તેમણે રાજસ્થાનને પાઠ ભણાવ્યો હતો કે આ પીચ પર કેવી રીતે રમાય.