પંજાબ: પટિયાલાના પૂર્વ AAP સાંસદ ધર્મવીર ગાંધી કોંગ્રેસમાં જોડાયા
પંજાબ, 1 એપ્રિલ: લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોના નેતાઓની પક્ષપલટોની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. ત્યારે આજે પંજાબના પટિયાલાથી પૂર્વ સાંસદ ધર્મવીર ગાંધી કોંગ્રેસમાં જોડાયા છે. 2014માં ધર્મવીર ગાંધી આમ આદમી પાર્ટીની ટિકિટ પર પટિયાલાથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. આ પછી ધર્મવીર ગાંધીએ AAPમાંથી રાજીનામું આપ્યું હતું. ધર્મવીર ગાંધી આજે સોમવારે (1 એપ્રિલ) બપોરે 12 વાગ્યે દિલ્હીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
Former AAP MP from Patiala Dharamvir Gandhi joins Congress
— Press Trust of India (@PTI_News) April 1, 2024
ધર્મવીર ગાંધી 2016માં AAPથી થયા હતા દૂર
કાર્ડિયોલોજિસ્ટ ધર્મવીર ગાંધી 2013માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. AAPની ટિકિટ પર 2014 માં પટિયાલાથી લોકસભા ચૂંટણી જીત્યા પછી, ધર્મવીર ગાંધી ટૂંક સમયમાં પાર્ટીથી દુર થયા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રનીત કૌર સામે ધર્મવીર ગાંધીએ જીત મેળવી હતી. ધર્મવીર ગાંધીને 3,65,671 અને પ્રનીત કૌરને 3,44,729 મત મળ્યા. તેઓ 20,942 મતોથી જીત્યા હતા.
2019માં ધર્મવીર ગાંધીએ પોતાની અલગ પાર્ટી બનાવી
આ પછી 2019ની લોકસભા ચૂંટણી પહેલા ધર્મવીર ગાંધીએ પોતાની અલગ પાર્ટી બનાવી હતી. આ પાર્ટીનું નામ નવા પંજાબ રાખવામાં આવ્યું હતું. આ ચૂંટણીઓમાં તેઓ ત્રીજા ક્રમે રહ્યા હતા. ધર્મવીર ગાંધીના કોંગ્રેસમાં જોડાવાથી તેમની પાર્ટી પણ કોંગ્રેસમાં ભળી જશે.
કોંગ્રેસ ધર્મવીરને પટિયાલાથી ઉમેદવાર રાખી શકે
પટિયાલાના સાંસદ પ્રનીત કૌર ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પરંતુ હવે ધર્મવીર ગાંધી કોંગ્રેસમાં જોડાતા પાર્ટીને પટિયાલામાં મજબૂતી મળશે. કોંગ્રેસ તેમને પટિયાલાથી ટિકિટ આપી શકે છે. ધર્મવીર ગાંધી પટિયાલાના રહેવાસી છે અને આ વિસ્તારમાં તેમની સારી પકડ છે.
આ પણ વાંચો: કેજરીવાલે પૂછપરછમાં પોતાના જ મંત્રીઓના નામ આપી દીધા