ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પંજાબના ખેડૂતો રોડ અને રેલવે ટ્રેક પર તંબુ લગાવીને બેઠા, 80 ટ્રેનો રોકી

  • પંજાબના ખેડૂતો હવે પોતાની માંગણીઓને લઈને નેશનલ હાઈવે તેમજ રેલવે ટ્રેક પર બેસી ગયા છે
  • રેલવે ટ્રેકના વિક્ષેપને કારણે પંજાબ તરફ જતી અને આવતી લગભગ 80 ટ્રેનોને અસર થઈ છે
  • ટ્રેનોના રૂટ રેલવે દ્વારા બદલવામાં આવ્યા છે અથવા રદ કરવામાં આવ્યા છે

પંજાબ, 24 નવેમ્બર:  પંજાબના જલંધરમાં શેરડીના ભાવમાં વધારો કરવા અને પરાળી સળગાવવા મુદ્દે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. નેશનલ હાઈવે બાદ તેઓએ રેલવે ટ્રેક બ્લોક કરી દીધો છે. ગઈકાલે ચંદીગઢમાં મુખ્યમંત્રી ભગવંત માન સાથે ખેડૂતોની બેઠક યોજાવાની હતી જે થઈ શકી નહીં. આનાથી રોષે ભરાયેલા ખેડૂતોએ જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી સરકાર શેરડીના ભાવમાં વધારો કરવાની તેમની માંગણી નહી સ્વીકારે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.

 જલંધરના ધનોવલી પાસે ખેડૂતો રેલવે ટ્રેક પર બેસી ગયા છે. ખેડૂતોના આંદોલનને કારણે આ રૂટ પરની ઘણી ટ્રેનોને અસર થઈ છે. રેલવેએ જણાવ્યું છે કે, આ ટ્રેક પરથી દરરોજ લગભગ 120 ટ્રેનો પસાર થાય છે. ખેડૂતો હડતાળ પર બેઠા તે પહેલા જ આ ટ્રેક પરથી 40 ટ્રેનો પસાર થઈ હતી. આ પછી અહીંથી 80 ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી હતી.

રેલવે ટ્રેક બ્લોક થયા બાદ શતાબ્દી એક્સપ્રેસને ફગવાડા અને આમ્રપાલી એક્સપ્રેસને જાલંધરમાં રોકવામાં આવી હતી. આ પછી દિલ્હી, પાણીપત, અંબાલા, લુધિયાન તરફ જતી અન્ય ટ્રેનોને નાકોદરથી ફગવાડા રૂટ તરફ વાળવામાં આવી હતી. રેલવેના જણાવ્યા અનુસાર, આ આંદોલનને કારણે નવી દિલ્હીથી પંજાબ જતી 56 ટ્રેનોને અસર થઈ છે. આમાંથી 6 ટ્રેનો રદ કરવી પડી હતી જ્યારે 31નો રૂટ બદલાયો હતો અને 18ને અગાઉના સ્ટેશનો પર રોકી દેવામાં આવી હતી.

ટ્રેનની અવરજવર બંધ થવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ માટે રેલવેેએ ખાદ્ય ચીજવસ્તુઓની વ્યવસ્થા કરી હતી અને ટ્રેન કેન્સલ થવાના કિસ્સામાં લોકોને રિફંડ કાઉન્ટર પણ આપવામાં આવ્યા હતા જ્યાંથી તેઓ રિફંડ લઈ શકે.

ત્રણ દિવસથી હાઇવે જામ છે

મળતી માહિતી અનુસાર, જલંધરમાં ધન્નો વાલી પાસે નેશનલ હાઈવે પર ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધને કારણે દિલ્હી જમ્મુ હાઈવે સંપૂર્ણપણે બંધ છે.  લુધિયાણા તરફ PAP ચોકથી થોડા દૂર ધનોવલી ગેટ પાસે ખેડૂતોએ જાલંધરમાં રેલવે અને નેશનલ હાઈવે બંધ કરી દીધો હતો. ખેડૂતો હાલમાં પોતાની માંગણીઓ સાથે હાઈવે પર તંબુઓ લગાવીને બેઠા છે. ખેડૂતોએ વિરોધ દરમિયાન કહ્યું છે કે, તેઓ 26 નવેમ્બરે ચંદીગઢ જશે. આ દરમિયાન પંજાબના સીએમ ભગવંત માને ખેડૂતોને અપીલ કરી છે કે, તેઓ નેશનલ હાઈવે બ્લોક કરીને લોકોને પરેશાન ન કરે.

આ પણ વાંચો, રાજૌરી એન્કાઉન્ટર: વીરગતિ થયેલા 5 જવાનોને શ્રદ્ધાંજલિ, દેશના વીરોને સલામ

Back to top button