નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી : કોંગ્રેસ પાર્ટીમાં નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમના માટે રેલીનું આયોજન કરવા બદલ પાર્ટીએ પહેલાથી જ બે નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે. હવે પાર્ટીના કેટલાક નેતાઓએ પણ સિદ્ધુ વિરુદ્ધ હાઈકમાન્ડને ફરિયાદ કરી છે. સ્થાનિક નેતાઓએ તેમની સામે શિસ્તભંગના પગલાની માંગ કરી છે.
શું ફરિયાદ કરવામાં આવી ?
કોંગ્રેસ નેતાઓ દ્વારા સિદ્ધુ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેઓ પાર્ટીની મહત્વની બેઠકોમાં સામેલ નહોતા થયા, પરંતુ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. 1 ફેબ્રુઆરીએ, નવજોત સિંહ સિદ્ધુ, પંજાબ ચૂંટણી સમિતિના સભ્ય હોવા છતાં, બેઠકમાં ગેરહાજર રહ્યા અને પંજાબ કોંગ્રેસના નેતાઓની સમાંતર બેઠક યોજી અને તે બેઠકની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીહતી.
સિદ્ધુએ પાર્ટીની મહત્વની બેઠકમાં હાજરી ન આપી
તેમના પર પંજાબ કોંગ્રેસ સંગઠન અને રાજ્ય પ્રભારી દ્વારા આયોજિત ચૂંટણી સમિતિ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં હાજર ન રહીને સમાંતર બેઠક યોજીને પોતાની શક્તિનું પ્રદર્શન કરવાનો આરોપ છે. ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક હોવા છતાં નવજોત સિંહ સિદ્ધુ બેઠકમાં હાજર રહ્યા ન હતા. દેવેન્દ્ર યાદવે પોતે આ મામલે સિદ્ધુને ફોન કર્યો હતો અને એક પત્ર પણ લખ્યો હતો પરંતુ તેઓ મીટિંગમાં આવ્યા નહોતા કે કોલ-મેસેજનો જવાબ આપ્યો ન હતો.
સિદ્ધુ માટે રેલીનું આયોજન કરનાર બે નેતા સસ્પેન્ડ
કોંગ્રેસ પાર્ટીના સ્થાનિક નેતૃત્વએ ગયા અઠવાડિયે પાર્ટીના બે નેતાઓને પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. મહેશિન્દર સિંહ અને તેમના પુત્ર ધરમપાલ સિંહને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આરોપ હતો કે આ બંને નેતાઓએ સિદ્ધુ માટે પરવાનગી વગર રેલીનું આયોજન કર્યું હતું, જેને તેમણે સંબોધિત પણ કર્યું હતું. સ્થાનિક નેતાઓનું માનવું છે કે આના માધ્યમથી સિદ્ધુએ તાકાતનું પ્રદર્શન કર્યું. મોગામાં યોજાયેલી રેલીમાં પાર્ટીના કાર્યકરોએ પણ ભાગ લીધો હતો.