ઐતિહાસિક નિર્ણય: પહેલી વખત ડ્રગ્સના કેટલા બંધાણી છે, તેની વસ્તી ગણતરી થશે, આ રાજ્ય સરકાર કરશે કામ


ચંડીગઢ, 27 માર્ચ 2025: પંજાબ સરકારે ડ્રગ્સના વ્યસનની સમસ્યાનો સામનો કરવા માટે એક ઐતિહાસિક પગલું ભરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં પહેલી વાર ડ્રગ્સના વ્યસન પર એક વ્યાપક વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય ડ્રગ્સના વ્યસનના વ્યાપ, વ્યસન મુક્તિ કેન્દ્રોના ઉપયોગ અને અસરગ્રસ્ત લોકોની સામાજિક-આર્થિક સ્થિતિ અંગે સચોટ ડેટા એકત્રિત કરવાનો છે. બુધવારે પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ વિધાનસભામાં તેમના બજેટ ભાષણ દરમિયાન આ જાહેરાત કરી હતી.
નાણામંત્રીએ કહ્યું, “અમે આગામી નાણાકીય વર્ષમાં પંજાબમાં સૌપ્રથમ ‘ડ્રગ સેન્સસ’ કરવાનું નક્કી કર્યું છે. આ સેન્સસ રાજ્યના દરેક ઘરને આવરી લેશે અને ડ્રગ વ્યસનના વ્યાપ, વ્યસન મુક્તિ કેન્દ્રોના ઉપયોગ અને લોકોની સામાજિક-આર્થિક સ્થિતિનો ડેટા એકત્રિત કરશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ડેટાનો ઉપયોગ ડ્રગ વ્યસનની સમસ્યાને દૂર કરવા માટે અસરકારક અને વૈજ્ઞાનિક વ્યૂહરચના તૈયાર કરવા માટે કરવામાં આવશે. સરકારે આ પહેલ માટે 150 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.
પંજાબમાં લાંબા સમયથી ડ્રગ્સના વ્યસનની સમસ્યા એક ગંભીર પડકાર રહી છે. રાજ્ય પાકિસ્તાન સાથે સરહદ ધરાવતું હોવાથી ડ્રગ્સની હેરાફેરી એક મોટી સમસ્યા છે. આ વસ્તી ગણતરી દ્વારા, સરકારનો ઉદ્દેશ્ય ડ્રગ્સના દુરુપયોગના ફેલાવાને સમજવાનો અને તેના ચાલી રહેલા ‘ડ્રગ્સ સામે યુદ્ધ’ અભિયાનને મજબૂત બનાવવાનો છે. ચીમાએ કહ્યું, “પંજાબના વિકાસ માટે ડ્રગ્સ સૌથી મોટો ખતરો છે. આપણે તેની સામે ફક્ત બળ અને શસ્ત્રોથી જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક રીતે ડેટા અને વિશ્લેષણથી પણ લડવું પડશે.”
આ સાથે, ૨૦૨૫-૨૬ માટે પંજાબનું બજેટ ૨.૩૬ લાખ કરોડ રૂપિયાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે, જેમાં શિક્ષણ, આરોગ્ય, નાણાકીય સમજદારી અને ખેડૂતોના કલ્યાણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેને “ભવિષ્યલક્ષી બજેટ” ગણાવતા, ચીમાએ કહ્યું કે તે “ટ્રાન્સફોર્મિંગ પંજાબ રોડમેપ 2025-26” ની રૂપરેખા આપે છે.
આ પણ વાંચો: મોદી સરકાર લાવી રહી છે ઓલા-ઉબેર જેવી ટેક્સી સેવા, ડ્રાઈવર્સને થશે મોટો ફાયદો