સજા : ટ્યુશન સંચાલકે ગૃહકાર્ય બાકી હોવાથી છાત્રનું કરાવ્યું મુંડન,વાલીઓમાં જોવા મળ્યો રોષ
પાલનપુર : પાલનપુર શહેરમાં ચકચાર જગાવતો કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક ખાનગી ટ્યુશન ક્લાસમાં ટ્યુશનમાં જતા છાત્રનું લેશન બાકી હોવાથી ટયુશન સંચાલકે મુંડન કરાવી દેતા સમગ્ર મામલે વાલીઓમાં રોષ ફેલાયો છે. જોકે બાદમાં છાત્રના વાલી અને ટ્યુશનના સંચાલક વચ્ચે સમાધાન થઈ જતા મામલો સમેટાઇ થઈ ગયો હતો. પરંતુ આ મામલો સમગ્ર શહેરમાં ‘ટોપ ઓફ ધ ટાઉન’ બની ગયો હતો.
પાલનપુર શહેરમાં છાત્રને માથે મુંડન કરી ક્લાસ વચ્ચે ઉભો કરીને અપમાનિત સ્થિતિમાં મૂકનારા ટ્યુશનના સંચાલક વિરુદ્ધ વાલીઓમાં રોષ ફેલાયો છે. શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા એક ખાનગી ટ્યુશન ક્લાસીસમાં પ્રાથમિક શાળાનો છાત્રએ લેસન ન લાવતા ટ્યુશનના સંચાલકે આ પગલુ ભર્યો હતું. જેને લઈને વાલીઓ લાલચોળ બન્યા હતા. ટ્યુશન સંચાલકની ભારે ટીકા અને લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.
પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા છાત્ર સાથે આ પ્રકારનું વર્તન કરનારા ટ્યુશન સંચાલકની વિરુદ્ધ પોલીસમાં વાલી દ્વારા અરજી પણ આપવામાં આવી હતી. જોકે ટ્યુશન સંચાલકે વાલી સાથે અગમ્ય કારણોસર સમાધાન કરી લેતા આ સમગ્ર મામલો ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે શહેરમાં આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.