આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પુલવામાં હુમલાનું કાવતરું રચનારા આતંકવાદીનું પાકિસ્તાનમાં અપહરણ

  • પાકિસ્તાનમાં જૈશ આતંકવાદી મોહિઉદ્દીન ઔરંગઝેબનું અપહરણ
  • જો કે હજુ સુધી પાકિસ્તાન પોલીસે આ સમાચારને સમર્થન આપ્યું નથી.
  • પાકિસ્તાનમાં છેલ્લા એક વર્ષથી અજાણ્યા લોકો તબાહી મચાવી રહ્યા છે.

ઈસ્લામાબાદ, 09 ડિસેમ્બર: કેટલાક સમયથી પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ટોચના આતંકવાદીઓની અજાણ્યા લોકો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીર, જે 2019માં પુલવામામાં CRPF કાફલા પર હુમલો કરવાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો, તેનું કેટલાક અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. અહેવાલો મુજબ, જૈશનો ટોચનો આતંકવાદી મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીર પોતાના એક સંબંધી સાથે ડેરા હાજી ગુલામ જઈ રહ્યો હતો. ત્યાં મોહિઉદ્દીનના સંબંધીના લગ્ન હતા. તેઓ કારમાં જઈ રહ્યા હતા ત્યારે બાઇક સવાર અજાણ્યા લોકોએ હાફિઝાબાદ વિસ્તારમાં મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીરની કારને ઓવરટેક કરી હતી.

બાઇક પર આવેલા આ અજાણ્યા લોકોએ હથિયાર બતાવીને મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીર અને તેના સંબંધીને કારમાંથી નીચે ઉતારી દીધા અને પોતાની સાથે લઈ ગયા હતા. હજુ સુધી આ અજાણ્યા લોકોની કોઈ ભાળ મળી નથી. તેમની બાઇક નિર્જન વિસ્તારમાંથી મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન પોલીસ અને આર્મીના જવાનો મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીર અને તેના સંબંધીને શોધવામાં વ્યસ્ત છે. જો કે હજુ સુધી પાકિસ્તાન પોલીસે આ સમાચારને સમર્થન આપ્યું નથી. પાકિસ્તાનમાં છેલ્લા એક વર્ષથી અજાણ્યા લોકો તબાહી મચાવી રહ્યા છે. આ અજાણ્યા લોકોના હુમલાના કારણે પાકિસ્તાનમાં ઘણા ભારત વિરોધી આતંકવાદીઓ માર્યા ગયા છે.

તાજેતરમાં જ અજાણ્યા લોકોએ કરાચીમાં આર્મી સેફ હાઉસમાં રહેતા લશ્કરના ટોચના આતંકવાદીની હત્યા કરી હતી. આ સિવાય ગત વર્ષથી લઈને અત્યાર સુધી અન્ય ઘણા આતંકવાદીઓએ પણ અજાણ્યા લોકોના હુમલામાં જીવ ગુમાવ્યા છે. જેમાં પરમજીત સિંહ પંજવાડ નામના ખતરનાક ખાલિસ્તાની આતંકવાદીનો સમાવેશ થાય છે. પાકિસ્તાને ઘણી વખત ભારતની ગુપ્તચર એજન્સી RAW પર આ હુમલાઓ કરાવવાનો આરોપ લગાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે તાજેતરમાં સ્પષ્ટ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં આતંકવાદીઓની હત્યા કરનારાઓ વિશે તેની પાસે કોઈ માહિતી નથી. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું હતું કે, કોઈપણ ભારત વિરોધી તત્વોએ અહીં આવીને કાયદાનો સામનો કરવો જોઈએ.

આ પણ વાંચો, મેક્સિકોમાં ગુનેગારો અને ગ્રામ્યજનો વચ્ચે અથડામણ, 11 લોકોના મૃત્યુ

Back to top button