ટ્રેન્ડિંગધર્મનવરાત્રિ-2024

ત્રીજા નોરતે મા ચંદ્રઘંટાની પૂજા, માતાજીને આ મંત્રથી કરો પ્રસન્ન

  • ત્રીજા નોરતે દેવી મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આ માતાજીનું સ્વરૂપ ખૂબ જ શાંત અને સૌમ્ય છે. તેમનું શરીર સોના જેવું ક્રાંતિવાન છે

HD ન્યુઝ ડેસ્કઃ નવે નવ નોરતે માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ત્રીજા નોરતે દેવી મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આ માતાજીનું સ્વરૂપ ખૂબ જ શાંત અને સૌમ્ય છે. તેમના માથા ઉપર ઘંટ આકારનો અર્ધચંદ્ર હોય છે, તેથી તેમને ચંદ્રઘંટાના નામથી ઓળખવામાં આવે છે.

મા ચંદ્રઘંટાનું સ્વરૂપ કેવુ છે?

મા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ મા ચંદ્રઘંટા છે. મા ચંદ્રઘંટાની સવારી વાઘ છે. દસ હાથમાં કમળ અને કમંડલ ઉપરાંત અસ્ત્ર શસ્ત્ર છે. માથા પર અર્ધ ચંદ્ર જ તેની ઓળખ છે. આ અર્ધ ચંદ્રના કારણે જ તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ મનને શાંતિ આપનારું છે. ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ ક્રાંતિવાન છે. દેવી ચંદ્રઘંટા તમામ પ્રકારે સુખ સમૃદ્ધિ આપે છે અને કુંડળીમાં જ્યારે ચંદ્ર નબળો પડતો હોય ત્યારે મા ચંદ્રઘંટાની આરાધનાથી ચંદ્ર લાભકારક બને છે.

માં ચંદ્રઘંટાનો મંત્ર

पिण्डजप्रवरारूढ़ा चण्डकोपास्त्रकेर्युता।
प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता॥

या देवी सर्वभू‍तेषु मां चन्द्रघण्टा रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

મા ચંદ્રઘંટાને પુષ્પ અને ભોગ

માતાને સફેદ કમળ અને પીળા ગુલાબની માળા અર્પણ કરો. માતાની પુજા કરતી વખતે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવાનું શુભ માનવામાં આવે છે. માતાને કેસરની ખીર અને દૂધમાંથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. પંચામૃત અને સાકર પણ માતાને અર્પણ કરી શકાય છે.

ત્રીજા નોરતે મા ચંદ્રઘંટાની પૂજા, માતાજીને આ મંત્રથી કરો પ્રસન્ન hum dekhenge news

મા ચંદ્રઘંટાની કથા

દંતકથા અનુસાર જ્યારે રાક્ષસોનો આતંક વધવા લાગ્યો ત્યારે માતા દુર્ગાએ માતા ચંદ્રઘંટાનો અવતાર લીધો હતો. તે સમયે દાનવોનો સ્વામી મહિષાસુર હતો, જે દેવતાઓ સાથે ભયંકર યુદ્ધ લડી રહ્યો હતો. મહિષાસુર દેવરાજ ઇન્દ્રની ગાદી મેળવવા ઇચ્છતો હતો. તેમની તીવ્ર ઇચ્છા વિશ્વ પર શાસન કરવાની હતી. તેમની આ ઈચ્છા જાણીને બધા દેવતાઓ નારાજ થઈ ગયા અને આ સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ જાણવા ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મદદ માંગી. દેવતાઓની વાત ગંભીરતાથી સાંભળીને ત્રણેય ગુસ્સે થઈ ગયા. ક્રોધને કારણે ત્રણેયના મુખમાંથી જે ઊર્જા નીકળી હતી. તેમાંથી એક દેવી ઉતરી. જેમને શિવજીએ તેમનું ત્રિશુલ અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર આપ્યું હતું.

એ જ રીતે અન્ય દેવી-દેવતાઓએ પણ પોતાના શસ્ત્રો માતાના હાથમાં સોંપ્યા હતા. સૂર્યે પોતાની તીક્ષ્ણ તલવાર આપી, સવારી કરવા માટે સિંહ આપ્યો. આ પછી માતા ચંદ્રઘંટા મહિષાસુર પાસે પહોંચ્યા. માતાનું આ સ્વરૂપ જોઈને મહિષાસુરને સમજાયું કે તેનો સમય આવી ગયો છે. મહિષાસુરે માતા પર હુમલો કર્યો. આ પછી દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. માતા ચંદ્રઘંટાએ મહિષાસુરનો વધ કર્યો. આમ માતાએ દેવતાઓની રક્ષા કરી. મા ચંદ્રઘંટાના આ સ્વરૂપની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

આ પણ વાંચોઃ એ હાલો.. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા માટે ગરબાની થીમ પર નવરાત્રીનું આયોજન

Back to top button