કાલે સૌરાષ્ટ્રમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ પ્રમુખ અને ત્રણ-ત્રણ મુખ્યમંત્રીની જાહેરસભા


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણી પ્રચાર પણ તેજ થતો જાય છે. ત્યારે આવતીકાલે સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર અર્થે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ પ્રમુખ અને ત્રણ ત્રણ રાજ્યના મુખ્યમંત્રી જાહેરસભા સંબોધવા માટે આવી રહ્યા છે. જેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખ રાજકોટ આવશે
મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે કાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટ આવી રહ્યા છે. જે પૈકી નડ્ડા રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી જંગી જાહેરસભા કરવાના છે જ્યારે કે પાટીલ પશ્ચિમ વિધાનસભા બેઠક ઉપર પ્રચાર માટે જંગી જાહેરસભા સંબોધવાના છે.

ભૂપેન્દ્ર પટેલ, યોગી આદિત્યનાથ અને શિવરાજ સિંહ મોરબી જશે
વધુમાં જાણવા મળ્યા મુજબ સૌરાષ્ટ્રમાં કાલે ત્રણ ત્રણ મુખ્યમંત્રી ચૂંટણી પ્રચાર માટે ઉપસ્થિત રહેવાના છે. જે પૈકી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પડધરી ટંકારા બેઠક માટે ટંકારાના રવાપર ગામે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વાંકાનેર કુવાડવા બેઠક માટે વાંકાનેર અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ મોરબી બેઠક માટે શનાળા ગામે આવી રહ્યા છે.
