ગરીબી મેં આટા ગીલા: આવતે વર્ષે PSL-IPL ટકરાશે; PCBની મુશ્કેલી વધી
લાહોર, 5 મે: ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની તર્જ પર દુનિયાભરમાં ઢગલાબંધ T20 લીગ્સ ચાલુ થઇ ગઈ છે. આમાં પાકિસ્તાનની પાકિસ્તાન સુપર લીગ એટલેકે PSL પણ સામેલ છે. દર વર્ષે જ્યારે પણ PSL શરુ થવાની હોય ત્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો અને યુટ્યુબરો PSL–IPL વચ્ચે સરખામણી ઉભી કરીને PSL જ શ્રેષ્ઠ છે એવું સાબિત કરવા મથતા હોય છે.
પરંતુ દુનિયાભરના ક્રિકેટ પંડિતો એ સ્વીકારી ચૂક્યા છે કે જ્યારે પણ T20 લીગની વાત આવશે ત્યારે IPLના સ્તરને કોઈ અન્ય લીગ સ્પર્શી પણ શકતી નથી. તેમ છતાં PCBના ભૂતપૂર્વ ચેરમેનો સહિત પાકિસ્તાનમાં ઘણા એવું કહી ચૂક્યા છે કે એક દિવસ એવો આવશે જ્યારે દુનિયાભરના ક્રિકેટરો PSL રમવા માટે પડાપડી કરશે અને IPL સાવ ખાલીખમ દેખાશે.
જો કે આ વર્ષની જ PSLમાં પાકિસ્તાનના મોટાભાગના સ્ટેડિયમો ખાલીખમ દેખાયાં હતા. ટૂંકમાં વાત એવી છે કે PSL નુકસાનમાં ચાલે છે અને તેની ફ્રેન્ચાઈઝીઓ પણ અઢળક નુકસાન કરે છે. અત્યારસુધી તો ગમેતેમ કરીને PSL માટે PCBએ ફેબ્રુઆરી મહિનાની વિન્ડો ઓપન કરાવી હતી એટલે દુનિયાની કોઇપણ લીગ તેને નડે નહીં.
પરંતુ હવે આવતે વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ પાકિસ્તાનમાં ICCની મહત્વની ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી રમાવા જઈ રહી છે. ગઈકાલે લાહોરમાં PSLના તમામ ફ્રેન્ચાઈઝીઓ સાથે PCBએ એક મિટિંગ કરી હતી અને આ મિટિંગમાં ફ્રેન્ચાઈઝીઓને કહેવામાં આવ્યું હતું કે આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી હોવાને કારણે PSL ફેબ્રુઆરીમાં નહીં પરંતુ માર્ચ-એપ્રિલમાં રમાશે.
હવે તકલીફ એ થશે કે આ જ સમયમાં ભારતમાં IPL પણ રમાતી હોય છે. PSLમાં આમ પણ મોટા, સ્ટાર અને જાણીતા વિદેશી ખેલાડીઓ રમવા નથી આવતા. આ ખેલાડીઓને સ્થાને નવા, બહુ મોટા નહીં અને ઓછા જાણીતા વિદેશી ખેલાડીઓ રમવા આવતા હોય છે.
આમાંથી ઘણા IPLમાં પણ રમતા હોય છે. પણ જો IPL અને PSL એક જ સમયે રમાશે તો પછી PSL રમવા કોણ જશે એ એક મોટો પ્રશ્ન છે. કારણકે IPLની સમકક્ષ પેમેન્ટ કરવું એ PSLના ફ્રેન્ચાઈઝીઓ સપનામાં પણ વિચારી નથી શકતા. આથી એ શક્ય છે કે આવતે વર્ષે બહુ ઓછા અને અત્યંત અજાણ્યા વિદેશી ખેલાડીઓથી જ પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોએ કામ ચલાવવું પડશે.
આવી પરિસ્થિતિમાં એક વાત તો પાક્કી જ છે કે આવતે વર્ષે PSL-IPL યુદ્ધ એક નવા જ સ્વરૂપમાં જોવા મળશે અને તે પણ સોશિયલ મિડીયામાં.
જો આમ થશે તો ઓલરેડી આ વર્ષે ખાલી સ્ટેડિયમોનો અનુભવ કરી ચૂકેલા PSLના ફ્રેન્ચાઈઝીઓ માટે ગરીબી મેં આટા ગીલા જેવી સ્થિતિ ઊભી થશે. આમ પણ બહુ ઓછા લોકો PSL જોવા આવે છે એવામાં વિદેશી ખેલાડીઓની ગેરહાજરી વધુ પાકિસ્તાનીઓને સ્ટેડિયમથી દૂર રાખશે એ ચોક્કસ છે.
આ પણ વાંચોઃ કોહલી – ગાવસ્કર વચ્ચે ફાટી નીકળેલા વાકયુદ્ધ પાછળનો સંપૂર્ણ મામલો શું છે?