PSI ભરતી કૌભાંડનો મુદ્દો વિધાનસભામાં ઉછળ્યો, વિપક્ષે હોબાળો કરી ગૃહમંત્રીના રાજીનામાંની કરી માંગ
હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનું સેશન ચાલી રહ્યુ છે. ત્યારે આ બજેટ સત્રમાં કરાઈ એકેડમીમાં પોલીસની ટ્રેનિંગ લઈ રહેલા બોગસ PSI મયુર તડવીનો મુદ્દો ઉછળ્યો હતો. જેમાં વિપક્ષે આ મુદદ્દે ચર્ચા કરવાની માંગ કરી હતી. પરંતુ આ મુદ્દા અંગે ચર્ચા ન કરતા વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.
વિધાનસભામાં વિપક્ષે મચાવ્યો હોબાળો
આજે વિધાનસભાના બજેટ સત્રના સેશનમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા દ્વારા કરાઈ એકેડમીની ઘટના અંગે જવાબ માંગવામાં આવ્યો હતો. અને સ્પીકર દ્વારા વિધાનસભાનુ સત્ર નિયમ મુજબ ચાલે છે તેમ કહીને સ્પષ્ટ ના પાડવામાં આવી હતી. જે બાદ સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા. અને આ ઘટનાને લઈને વિપક્ષે સરકાર પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બન્ને ગૃહમાં હોય ત્યારે આ મામલે સ્પષ્ટતા થવી જોઇએ તેમ કહી કોંગ્રેસ નેતાઓ દ્વારા બેનર બતાવવામાં આવ્યા હતા. તેમજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું પણ માંગવામાં આવ્યું હતું. મામલો વધુ ગરમાતા વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યુ હતુ.
ગુજરાતના લાખો યુવાઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારના ગૃહમંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી યુવાઓની માફી માંગી તાત્કાલિક રાજીનામું આપે.#Resign_Harsh_Sanghavi pic.twitter.com/Flz9zhg7w0
— Amit Chavda (@AmitChavdaINC) March 1, 2023
અમિત ચાવડાએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યુ
આ ઘટના બાદ અમિત ચાવડાએ ટ્વીટ કર્યું હતુ જેમાં તેમને કહ્યું કે,”ગુજરાતના લાખો યુવાઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારના ગૃહમંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી યુવાઓની માફી માંગી તાત્કાલિક રાજીનામું આપે.”
કરાઈ એકડમીમાં બોગસ PSI બનીને ટ્રેનિંગ
મહત્વનું છે કે બે દિવસ પહેલા જ કરાઈ એકેડમીમાં બોગસ PSI બનીને ટ્રેનિંગ લેતા મયુર તડવીનો ભાંડો ફૂડ્યો હતો. જે બાદ ગઈકાલે કરાઈ એકેડમીએ એક પ્રેસ નોટ જાહેર કરી હતી. જેમાં આ બાબતે કરાઈ એકેડમીમાં ઉચ્ચ અધિકારીઓને પહેલી જ જાણ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. એટલુ જ નહી તેઓ આરોપી મયુર તડવી પર નજર રાખીને તેની સાથે કૌભાંડમાં સામેલ અન્ય ભેજાબાજોની ખાનગી રીતે તપાસ કરી રહ્યા હતા. આ સમગ્ર મામલાનો પર્દાફાસ કરનાક યુવરાજસિંહને પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : રાજ્યમાં પશુઓને વિવિધ રોગોથી બચાવવા આટલું રસીકરણ કરાયું