વડોદરાના સાવલી પોલીસ મથકના PSI રૂ. 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
- વડોદરાના સાવલી પોલીસ મથકના PSI લાંચ લેતા ઝડપાયા
- દારૂના કેસમાં રૂ. 35 હજારની લાંચ માગી
- ડી.એમ. વાસદીયા 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લાંચિયા અધિકારીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.જેને લઈ એસીબીની ટીમ સક્રિય થઈ ગઈ છે. અને લાંચિયા અધિકારીઓ પર બાજ નજર રાખીને બેસી છે. હાલના સમયમાં પોલીસ કર્મચારીઓ લોકોને ખોટા કેસમાં ફસાવીને પૈસા પડાવવાની ફીરાતમાં રહેતા હોય છે. ત્યારે આવો જ એક લાંચિયો અધિકારી એસીબીની ટીમના હાથે લાગ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.એમ. વાસદીયાને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ સાવલી પોલીસ મથકમાં જ રૂપિયા 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.
રૂપિયા 1,20,000માં કાર ગીરવે મૂકી
ફરિયાદીએ નોંધાયેલી ફરિયાદ અનુસાર,મિકેનીકનો વ્યવસાય કરતા જયેશભાઇ જયંતિભાઇ મિસ્ત્રીએ સેકન્ડેન્ડ કાર તેમના ભાઇ ભાવિનકુમાર મણીભાઇ સુથારના નામે લીધી હતી. જે કારનું સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી નોટરી કરાવીને જયેશભાઇએ પોતાના નામે કરાવી હતી. દરમિયાન વર્ષ -2019માં નાણાંની જરૂરીયાત પડતા તેઓએ આ કાર તેઓના મિત્ર પવનભાઇ પંડિત પાસે ગીરવે મૂકી રૂપિયા 1,20,000 લીધા હતા. જોકે, જયેશભાઇ મિસ્ત્રી સમયસર પોતાના મિત્ર પાસેથી કાર છોડાવી ન શકતા મિત્ર પવનભાઇ પંડિતે આ કાર આણંદના લોટીયા ભાગોળમાં રહેતા સંજયભાઇ પાસે ગીરો મૂકી નાણાં લીધા હતા. દરમિયાન આ કાર સાવલી પોલીસે દારુના કેસમાં પકડી હતી. પોલીસ તપાસમાં આ કાર જયેશભાઇ મિસ્ત્રીના ભાઇ ભાવિનકુમારના નામે હોવાથી પોલીસે તેની 5 ઓગસ્ટના રોજ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
PSI રૂ.20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
જેને લઈ આ કેસની પતાવટ માટે જયેશભાઇ મિસ્ત્રીના પતિ ગૌરાંગગીરી ગોસ્વામી પી.એસ.આઇ. ડી.એમ. વાસદિયાને મળ્યા હતા. તેઓેએ આ કેસની પતાવટ માટે રૂપિયા 35 હજારની માંગણી કરી હતી. જો કે, આ કેસના ફરિયાદી અને મિકેનીક જયેશભાઇ મિસ્ત્રીની પત્ની લાંચ આપવા માંગતા ન હોવાથી આ મામલે વડોદરા એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.જેને આધારે એસીબીની ટીમે છટકાનું આયોજન કર્યું હતું. જેમાં જયેશભાઇ મિસ્ત્રી અને તેમનો મિત્ર રાહુલ ઉર્ફ દેવો રમેશભાઇ સુથાર બંને સાવલી પોલીસ મથકમાં આવ્યા હતા. અને પી.એસ.આઇ. ડી.એમ. વાસદીયાને મળ્યા હતા. પી.એસ.આઇ.એ લાંચની રૂપિયા 20 હજાર રકમ કમ્પ્યુટરના છેલ્લા ડ્રોઅરમાં મૂકાવી હતી. ફરિયાદીના પતિ જયેશભાઇ અને રાહુલભાઇએ પી.એસ.આઇ.ના કહેવાથી રૂપિયા 20 હજાર ડ્રોઅરમાં મૂકતાજ એ.સી.બી. ટીમ આવી પહોંચી હતી. અને પી.એસ.આઇ. ડી.એમ. વાસદીયાની ધરપકડ કરી વડોદરા લઇ આવી હતી. એ.સી.બી.એ તેઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : વેજલપુરનો સબ રજીસ્ટાર અધિકારી લાંચ લેતા રંગેહાથે ઝડપાયો; ₹58 લાખ રોકડા મળ્યા