ઈન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોઅર્સ થતાં PSI એ અનોખી રીતે કરી ઉજવણી,સોશિયલ મીડિયાનો ઉત્તમ ઉપયોગ
ઘણી વખત એવું બનતું હોય છે જ્યારે માનવી પોતાના ઈચ્છા શક્તિથી કોઈ પણ કામ પરિપૂર્ણ કરવામાં સફળ થાય છે અને ત્યાંથી જ તેને અન્ય લોકોને મદદરૂપ થવાની પ્રેરણા મળતી રહે છે. હાલ સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મૂળ જૂનાગઢ કેશોદના હરેશ એલ જેબલિયાએ એક ઉત્તમ કાર્ય કર્યું છે. તેમને રાષ્ટ્રભાવના અને શિક્ષણ પ્રત્યેની તેમની રૂચિને જોતાં 100 બાળકોને દત્તક લીધા છે. આ કાર્ય તેમને એટલાં માટે કર્યું છે કેમકે તેમના ઈન્સ્ટાગ્રામ પર 1 લાખ ફોલોઅર્સ થયા છે.
ક્યાંથી મળી પ્રેરણા ?
PSI એચ.એલ જેબલિયાએ પોતાની ઈચ્છા અંગે જણાવ્યું કે, તેમને નક્કી જ કર્યું હતું કે જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ ફોલોઅર્સ થશે ત્યારે સરકારી શાળાનાં 100 બાળકને દત્તક લઈશ અને હું મારા ખર્ચે છેક સુધી ભણાવીશ. આમ, મેં ધારીના દઈડા ગામની સરકારી શાળાનાં 100 બાળકને દત્તક લીધાં છે. જેની પ્રેરણા વાસ્તવમાં અમદાવાદથી મળી હતી ત્યારે મેં મારી બર્થ ડે એક વૃદ્ધાશ્રમમાં મનાવી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેના થોડાં જ દિવસમાં વૃદ્ધાશ્રમમાં માનવ સેવાનું બુકિંગ ફૂલ થઈ ગયું હતી. અહીંથી મને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની પ્રેરણા મળી અને ત્યારે જ મેં એક લાખ ફોલોઅર્સ પર કંઇક અનોખું કરવાનો નિર્ણય કર્યો હતો.
કેવી રીતે બાળકોની પસંદગી કરવામાં આવી ?
PSI ધારીના દઈડા ગામની સરકારી શાળાનાં 100 બાળકને દત્તક લીધાં છે. અને તેમના આ બાળકોની પસંદગી કેવી રીતે કરી તેના અંગે જણાવ્યું કે, જે સરકારી શાળાની મુલાકાત લીધી હતી ત્યાંના વિદ્યાર્થીઓના પરિવાર લોકો પશુપાલન અને મજૂરીકામ સાથે જોડાયેલા છે, એટલે મેં આ ગામ પસંદ કર્યું અને ગામનાં બાળકો શિક્ષણક્ષેત્રે આગળ વધે એવું નક્કી કર્યું છે. આ રીતે મેં સરકારી શાળાના 1થી 8 ધોરણના 100 વિદ્યાર્થીને દત્તક લીધા અને અત્યારે તેમની ભણવાની જવાબદારી હું નિભાવી રહ્યો છું.
બાળકોનો ભણવાનો ખર્ચ કેવી રીતે ઉપાડશો?
જ્યારે PSI જેબલિયાને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, મારી પાસે સોશિયલ મીડિયાનો પાવર છે. હું તો મારા પગારમાંથી 10 ટકા સુધીની રકમ આપીશ. તેમજ ઘણાં મિત્રો સોશિયલ મીડિયાથી મદદ માટે સહભાગી થયા છે. તેમજ ઘણાં મિત્ર વર્તુળમાં એવા પણ છે જેમણે સ્પોર્ટ કરવાની હા પાડી છે. આ ઉપરાંત બાળકોનું શિક્ષણ ન અટકે તેના માટે વાલીઓને પણ સંપૂર્ણ રીતે સમજાવવામાં આવ્યા છે. તેમજ તેઓ ભણવાનું છોડી ન દે તેના માટે પણ પરિવાર જોડે ચર્ચા કરી છે.
કોણ છે PSI હરેશ એલ જેબલિયા ?
જો વાત PSI હરેશની કરવામાં આવે તો તેમને પાંચ પરીક્ષા પાસ કરી છે. તેઓ મૂળ જૂનાગઢના કેશોદના બળોદર ગામના હરેશભાઈ જેબલિયા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને લીધે તેમણે એન્જિનિયરિંગ અને પાંચ સરકારી પરીક્ષા જાતમહેનતે પાસ કરી છે. એક સમયે તેઓ PSIની પરીક્ષા આપવા માટે ટ્યુશન ક્લાસ કરવાની 40 હજાર ફી ભરી શક્યા નહોતા છતાં તેમને જાતે જ મહેનત કરીને તેઓ આખા ગુજરાતમાં 53મા નંબરે પાસ થયા હતા.