એફિડેવિટ કરવાની જોગવાઈ મુદ્દે પુનઃવિચારણા થશે : વાઘાણી
ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગના કર્મચારીઓની ગ્રેડ પે વધારવાની માંગ સામે અગાઉ પગાર ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ ગઈકાલે સોમવારે તે અંગેનો GR પણ જાહેર કરી દેવામાં આવ્યો હતો પરંતુ આ GR માં એફિડેવિટને લઈ અસમંજસતા હોય અને પોલીસકર્મીઓમાં તે શરતને લઈ રોષ જોવા મળતા રાજ્ય સરકાર સુધી વાત પહોંચતા આજે મંગળવારે પ્રવકતા જીતુ વાઘાણી દ્વારા એફિડેવિટ કરવાની જોગવાઈ મુદ્દે પુનઃવિચારણા થશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
પોલીસકર્મીને તકલીફ ન થાય તે મુજબ નિર્ણય લેવાશે : વાઘાણી
ગુજરાતના પોલીસકર્મીઓના પગાર વધારાને લઈને ગઈકાલે જીઆર બહાર પાડી દેવામાં આવ્યો છે. સરકારે અગાઉ જાહેર કરેલો પગાર વધારો 1 ઓગસ્ટથી લાગુ થશે. જે માટે ગુજરાત સરકાર સવાર જીઆર પણ બહાર પાડી દેવામાં આવ્યો છે.નવું પગાર ભથ્થું 1 ઑગસ્ટથી લાગુ થશે તેવો પરિપત્ર કરી દેવાતા પોલીસ પરિવારો તેમજ પોલીસ બેડામાં ખુશી વ્યાપી છે. આ નિર્ણયથી પોલીસકર્મીઓનો ચાલુ મહિનાનો પગાર વધીને આવશે પણ આ જીઆરનો ઘણા પોલીસકર્મીઓ વિરોધ પણ કરી રહ્યા છે કારણ કે જીઆરમાં એફિડેવિટ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જે બાબતનો નિવેડો લાવવા રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. અને કહ્યું છે કે એફિડેવિટ કરવાની જોગવાઈ મુદ્દે પુનઃવિચારણા થશે. પોલીસકર્મીને તકલીફ ન થાય તે મુજબ નિર્ણય લેવાશે.
પોલીસ કર્મચારીઓના પગારમાં કોનો કેટલો વધારો ?
રાજ્ય સરકારે જાહેર કરેલા વધારાના પગાર ભથ્થાના કારણે ફિક્સ કર્મચારી તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીઓ સહિત એએસઆઈ સુધીના પોલીસકર્મીઓનો પગાર વધીને આવવાનો છે. ત્યારે LRDના પગારમાં રૂ.3500 રૂપિયાનો વધારો કરવામાં આવતા ફિક્સ પગારદાર LRD-ASIનો વાર્ષિક પગાર 96 હજાર 150 વધશે જે અગાઉ LRD-ASIનો વાર્ષિક પગાર 2,51,100 હતો હવે વધારા બાદ LRD-ASIનો વાર્ષિક પગાર 3,47,250 થયો છે. પોલીસ કોન્સ્ટેબલના પગારમાં રૂ.4000નો વધારો એટલે કે અગાઉ પોલીસ કોન્સ્ટેબલનો પગાર વાર્ષિક 3 લાખ 63 હજાર 660 હતો જેમાં વાર્ષિક પગાર રૂપિયા 52 હજાર 740 વધ્યો અને વધારા બાદ પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,16,400 થયો છે. હેડ કોન્સ્ટેબલના પગારમાં રૂ.4500નો વધારો કરવામાં આવ્યો છે જેથી અગાઉ જે પોલીસ હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,36,654 હતો તેમાં 58,740નો વધારો થતાં તે હવે વધારા બાદ પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4,95,394 થયો છે. જ્યારે કે ASIના વાર્ષિક પગારમાં 64,740 નો વધારો કરવામાં આવ્યો છે. જેનો અગાઉ વાર્ષિક પગાર 5,19,354 જેટલો હતો તે હવે વધારા બાદ વાર્ષિક પગાર 5,84,094 થયો છે.