ડીસા જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની સુચારુ વ્યવસ્થા માટે પ્રાંત અધિકારી પહોંચ્યા
ધોરણ 12 નું પરિણામ જાહેર થતાં જ ડીસા જનસેવા કેન્દ્ર ખાતે ક્રિમિલિયર સહિતના દાખલ લેવા માટે વિદ્યાર્થીઓની લાંબી કતાર લાગી ગઈ છે. જોકે શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓના દાખલા એક જ વિન્ડો પરથી કાઢી આપવામાં આવતા હોવાથી કલાકો સુધી હેરાન થતા હતા. જેને લઇ ને ડીસા પ્રાંત અધિકારી વિદ્યાર્થીઓની મદદે પહોંચ્યા હતા.
મામલતદાર અને ટીડીઓ એ વ્યસ્થા ગોઠવી
સવાર પડે અને ડીસાનું જન સેવા કેન્દ્ર વિદ્યાર્થીઓથી ભરાઈ જાય છે. સવારથી જ વિદ્યાર્થીઓની લાંબી લાંબી કતારો લાગી જાય છે, કારણ કે ધોરણ 12નું પરિણામ જાહેર થતાં જ વધુ અભ્યાસ માટે કોલેજોમાં એડમિશન લેવા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના દાખલાની જરૂર પડે છે. જેમાં ડીસા જનસેવા કેન્દ્ર ખાતેથી શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારના વિદ્યાર્થીઓના જાતિ એસ.ટી, ડોમીસાઈલ, ઇડબલ્યુએસ, નોન ક્રિમિલેયર, એસસી ઇંગલિશ, જાતિના, ધાર્મિક લઘુમતી, ચારિત્ર્ય અને ગ્રામ્ય વિસ્તારના પણ ઈંગ્લીશના દાખલા કાઢી આપવામાં આવે છે.
લાંબી લાઈનોમાં છાત્રોને ઉભા નહિ રહેવું પડે
અત્યારે ડીસા જન સેવા કેન્દ્રમાં એક નાયબ મામલતદાર એક કારકૂન અને ત્રણ ઓપરેટર ફરજ બજાવે છે અને એક દિવસમાં શહેરી વિસ્તારના 150 અને ગ્રામ્ય વિસ્તારના 150 સહિત કુલ 300 જેટલા દાખલા કાઢી આપવામાં આવે છે. એક દાખલો કાઢવા માટે સૌપ્રથમ તમામ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કર્યા બાદ અધિકારીની સહી, ત્યારબાદ ફોટો પડાવવો અને ડેટા એન્ટ્રી કરવા સહિતની પ્રક્રિયામાં કુલ 4 થી 5 મિનિટનો સમય લાગે છે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીને બીજા દિવસે દાખલો આપવામાં આવે છે.
અગાઉ બબ્બે કલાક ઉભા રહેવા છતાં નંબર આવતો નહતો
જોકે વિદ્યાર્થીઓને દાખલાઓ મેળવવામાં પડતી હાલાકીઓ ને લઈને ડીસાના પ્રાંત અધિકારી નેહાબેન પંચાલ જનસેવા કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે મામલતદાર ડો. કિશનદાન ગઢવી અને ડીસા ટીડીઓ સુશ્રી આર. એન. રાજપુત પણ પહોંચ્યા હતા. અને દાખલા મેળવવામાં પડતી હાલાકીઓને લઈને સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે સૂચનાઓ આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને કોઈપણ હાલાકીનો સામનો ન પડે તે જોવા માટે પણ સૂચન કર્યા હતા. જેને લઈને વિદ્યાર્થીઓને સમયસર દાખલા મળવાનું શરૂ થયું હતું. તેમજ દાખલા કાઢી આપવા માટેની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓને દાખલા કઢાવવાની તકલીફમાંથી હવે મુક્તિ મળશે.
સ્ટાફ વધારવામાં આવ્યો છે : મામલતદાર
આ અંગે ડીસા ગ્રામ્ય મામલતદાર ડો. કિશનદાન ગઢવીએ જણાવ્યું હતું કે, જન સેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની લાઈન વધુ હોવાથી દાખલાઓ મેળવવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હતી. જે ધ્યાને આવતા જનસેવા કેન્દ્ર ખાતે રેવન્યુ તલાટી અને પંચાયતના સ્ટાફ સહિત વધુ ત્રણ વ્યક્તિઓને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે. જેથી દાખલા કાઢવાની પ્રક્રિયામાં ઝડપ આવી છે. જેથી વિદ્યાર્થીઓને હવે વધુ વખત લાઈનમાં ઊભા રહેવું નહીં પડે, તેમજ ગરમીમાં પંખાની અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિદિવસિય પ્રવેશોત્સવમાં, ગામોની શાળાઓમાં ભૂલકાઓને પ્રવેશ કરાવશે