રાજકોટ કોંગ્રેસમાં ફાંટાઃ પરેશ ધાનાણીનું નામ છેલ્લી ઘડીએ જાહેર ના થયું, જાણો ક્યાં કોકડું ગૂંચવાયું
રાજકોટ, 22 માર્ચ 2024, ગઈકાલે કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે વધુ એક યાદી જાહેર કરી હતી. જેમાં સૌરાષ્ટ્રના 2 સહિત કુલ 11 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ હતી. સૌરાષ્ટ્રમાં અમરેલી અને જામનગર બેઠક માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને સુરેન્દ્રનગરના ઉમેદવારને લઈ કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે. જેમાં રાજકોટ બેઠક પર છેલ્લી ઘડી સુધી ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીનું નામ મોખરે હતું. પરંતુ સત્તાવાર જાહેરાત કરવામાં ન આવતા રાજકોટ બેઠક પર કોંગ્રેસમાં ટિકિટને લઈ ત્રણ જૂથ સક્રિય થતાં જૂથવાદ ચરમસીમા પર હોય તેવું રાજકીય સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.
છેલ્લી ઘડીએ ધાનાણીનું નામ જાહેર ના થયું
કોંગ્રેસની યાદીમાં જામનગર બેઠક પર જે.પી. મારવિયા અને અમરેલી બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરની દીકરી જેની ઠુમ્મરને ટિકિટ ફાળવવામાં આવી છે. રાજકોટ બેઠક પર છેલ્લી ઘડી સુધી ચર્ચામાં રહેલા પરેશ ધાનાણીના નામની જાહેરાત કરવામાં ન આવતા કોંગ્રેસમાં સળગતો જૂથવાદ સામે આવ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની અન્ય બે જૂનાગઢ અને સુરેન્દ્રનગર બેઠકને લઈને પણ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી શકી નથી.સૂત્રો પસેથી મળતી માહિતી મુજબ રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપતા સામે પક્ષે કોંગ્રેસ દ્વારા આ વખતે કડવા પાટીદાર વર્સીસ અન્ય સમાજના ઉમેદવારને મેદાને ઉતારી નવી ચાલ ચાલવા જઈ રહ્યું છે. જેમાં લેઉવા પાટીદાર, કોળી સમાજ અથવા બ્રાહ્મણ સમાજના ઉમેદવારને પસંદ કરી ચૂંટણી લડવામાં આવે તેવાં સમીકરણો તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
રાજકોટમાં કોંગ્રેસમાં ત્રણ ફાંટા પડ્યા
શહેર કોંગ્રેસનું એક જૂથ કોળી સમાજમાંથી વિક્રમ સોરાણી, તો એક જૂથ પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતા ડો. હેમાંગ વસાવડાને લડાવવા ભલામણ કરી રહ્યું છે. જ્યારે અન્ય એક જૂથ પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાને લડાવવા પણ ભલામણ કરી રહ્યું છે. જોકે, કોંગ્રેસનું હાઈકમાન્ડ રાજકીય બેઠક પરથી પરેશ ધાનાણીને પુરુષોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડાવવા વિચારણા કરી રહ્યું છે. રાજકીય વર્તુળોમાં ચર્ચાતી માહિતી મુજબ આ સમીકરણો જોતા એવું જરૂર કહી શકાય કે, ચૂંટણી નજીક આવી ગઈ હોવા છતાં હજુ પણ કોંગ્રેસ જૂથવાદમાંથી બહાર આવી શકી નથી અને લોબિંગ સાથે મજબૂતના બદલે પોતાના માનીતા નેતાને ટિકિટ અપાવવા મહેનત કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર કોણ બનશે તે નક્કી નથી થતું.
સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠક પર કોણ?
ભાજપના ઉમેદવારે લોકસભાના મોટાભાગના લગભગ તમામ ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ ખેડી દીધો છે અને જોરશોરથી પ્રચારમાં જોડાઈ પણ રહ્યા છે.પાંચ લાખથી વધુ લીડથી જીતવા માટે રેલી સભા ગજવી રહ્યા છે. સુરેન્દ્રનગર, અમરેલી અને જૂનાગઢ બેઠક પર રોજબરોજ નવા નામોની ચર્ચા ચાલી રહી છે. અમરેલી બેઠક પર કોંગ્રેસ દ્વારા જેની ઠુમરને ટિકિટ આપવામાં આવતા હવે ભાજપ પણ આ બેઠક પરથી મહિલા ઉમેદવારને મેદાને ઉતારશે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે. જ્યારે મહદંશે જૂનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ રિપીટ થિયરી અપનાવી બન્ને બેઠક પર કોળી સમાજને ટિકિટ ફાળવી નવા જ નામની જાહેરાત કરે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃરોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું, પક્ષના નેતાઓની હેરાનગતિથી કોંગ્રેસ છોડી