કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં અગ્નિકાંડ બાદ RMCની સીલ કરવાની કામગીરી સામે વિરોધ, 1 હજાર હોટલ-રેસ્ટોરન્ટ બંધ

Text To Speech

રાજકોટ, 10 જુલાઈ 2024, શહેરમાં TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ મહાનગર પાલિકાએ હોટલ અને રેસ્ટોરન્ટ પાસે ફાયર NOC અને BU પરમિશન નથી તેને સીલ કરવાની કામગીરી શરૂ કરી છે. જેને કારણે અનેક લોકોના ધંધા રોજગારને અસર પહોંચી છે. આજે રાજકોટ હોટેલ સંચાલક એસોસિયેશન દ્વારા બંધ પાળવામાં આવ્યો છે. શહેરની એક હજાર જેટલી હોટેલ, રેસ્ટોરન્ટ, બેંક્વેટ હોલ, પાર્ટી પ્લોટ બંધ રાખવામાં આવ્યાં છે. તે ઉપરાંત રાજકોટ હોટલ સંચાલક એસોસિયેશનના પ્રમુખ મેહુલ પટેલે સીલ ખોલવા માટે RMCના અધિકારીએ રૂ. 5 લાખની ખંડણી માંગી હોવાનો આક્ષેપ કર્યો છે.

અત્યાર સુધીમાં 600 જેટલી પ્રોપર્ટી સીલ કરાઈ
રાજકોટ હોટેલ સંચાલક એસોસિયેશનના પ્રમુખ મેહુલ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં એક હજાર જેટલી હોટેલ, રેસ્ટોરન્ટ, બેંક્વેટ હોલ, પાર્ટી પ્લોટ બંધ રાખવામાં આવ્યાં છે. અત્યારે જ ફાયર એનઓસી અને BU પરમિશન માગવામાં આવે છે. અત્યાર સુધીમાં 600 જેટલી પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે. જે પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે ત્યાં રૂ. 5-5 લાખના હપ્તા માગવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાના નામે એક અધિકારી રૂ. 5 લાખના હપ્તા માગતા હતા. જેમનું નામ અમીષાબેન હોવાનું તેમણે જણાવ્યું હતું. આ વ્યક્તિ RMCમાં અરજી કરે છે અને તેના આવેદન બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સીલ મારવામાં આવે છે.

સીલ કરવાની કામગીરી તાત્કાલિક બંધ કરવા માંગ
મેહુલ પટેલે વધુમાં કહ્યું હતું કે, અમારી માગણી એ જ છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટ સીલ કરવાની કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે. અમે મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈ પાસે જઈએ તો અમને 1986નો કાયદો સમજાવે છે.જ્યારે હોટેલ-રેસ્ટોરન્ટના સીલ ખોલાવવા રૂ. 5 લાખના હપ્તાના આક્ષેપ મામલે અમીષાબેન વૈદ્યએ જણાવ્યું હતું કે, રૂ. 5 લાખના આક્ષેપ કરવામાં આવ્યા તે ખોટા છે. સેકન્ડ વાઇફ અને ઢોસા ડોટ કોમ રેસ્ટોરન્ટ પાસે ફાયર NOC નથી, સ્ટ્રક્ચર મંજૂર નથી અને કમ્પ્લીશન પણ નથી.

આ પણ વાંચોઃરાજકોટ અગ્નિકાંડઃ આરોપી મનસુખ સાગઠિયા જેલ હવાલે, કેદી નંબર 2096થી ઓળખાશે

Back to top button