

સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી ‘અગ્નિપથ યોજના’નો વિરોધ ઉગ્ર બન્યો છે. રાજકીય પક્ષોની સાથે સામાન્ય યુવાનો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને બિહારમાં હંગામો વધી રહ્યો છે. આ સિવાય ગુરુગ્રામમાં પણ આજે પ્રદર્શન કરવામાં આવ્યું છે. બિહારના જહાનાબાદ, બક્સરમાં આજે વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ રસ્તા રોક્યા અને આગચંપી કરી. વિદ્યાર્થીઓએ જહાનાબાદમાં NH-83 અને NH-110માં આગ લગાવી.
સૈન્યમાં પુનઃસ્થાપન માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી અગ્નિપથ યોજના વિરુદ્ધ આરામાં વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન બીજા દિવસે પણ ચાલુ છે. અગ્નિપથના વિરોધમાં વિદ્યાર્થીઓએ આરામાં રેલવે ટ્રેક બ્લોક કરી દીધો છે. વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકાર સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આ અગાઉ ગઈકાલે બક્સર, મુઝફ્ફરપુર, ગયામાં પણ વિરોધ પ્રદર્શન થયા હતા. સેનામાં ચાર વર્ષની ભરતીની આ યોજનાથી રોષે ભરાયેલા યુવાનોએ ગઈકાલે પથ્થરમારો પણ કર્યો હતો.
બુધવારે બક્સરમાં હોબાળો
પ્રદર્શનકારીઓએ બક્સરમાં રેલવે ટ્રેક જામ કર્યો તો મુઝફ્ફરપુરના માડીપુરમાં ઠેર ઠેર આગ લગાડવામાં અને રસ્તો જામ કરી દીધો. આ ઉપરાંત આરામાં પણ જોરદાર હોબાળો થયો. પોલીસ અને GRPએ પ્રદર્શનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ યોજનાને પરત લેવાની માગ પર મક્કમ હતા.

બક્સરમાં સમજાવવામાં આવ્યા બાદ રેલવે ટ્રેક પરથી જામ દૂર થયો
બક્સરમાં પ્રદર્શનકારીઓએ દિલ્હી-કોલકાતા રેલવે ટ્રેક પર બક્સર સ્ટેશનના માલગોદામની પાસે ચક્કાજામ કરી દીધો. ઘટના સ્થળે રેલ સુરક્ષા દળ, પોલીસ અધિકારી સહિત બક્સર રેલ પ્રબંધક પહોંચ્યા. પ્રદર્શનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યા બાદ ટ્રેક પર જામ દૂર થયો અને ફરી પરિચાલન સેવા શરૂ થઈ.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, ‘નેતા હોય કે ધારાસભ્ય, તમામને 5 વર્ષનો સમય મળે છે, અમારું 4 વર્ષમાં શું થશે. અમારી પાસે પેન્શનની સુવિધા પણ નથી. 4 વર્ષ પછી અમે રોડ પર આવી જશું.’ તેમનું કહેવું છે કે સેનામાં નિયુક્તીની યોજના જ રદ કરી દેવી જોઈએ.
આર્મી રિક્રૂટમેન્ટ ઓફિસની સામે પ્રદર્શન
મુઝફ્ફરપુરમાં બુધવારે સેંકડો લોકો લાકડી-દંડા લઈને રસ્તા પર ઉતર્યા હતા અને હોબાળો તેમજ પ્રદર્શન કરવા લાગ્યા. સૌથી પહેલા પ્રદર્શનકારીઓએ ARO (આર્મી રિક્રૂટમેન્ટ ઓફિસ) પહોંચ્યા. જ્યાં વિરોધ વ્યક્ત કર્યો. જે બાદ પ્રદર્શનકારીઓએ માડીપુરમાં આગ લગાડી અને રોડ જામ કરી દીધો. સાથે જ રસ્તાની આજુબાજુ લગાડવામાં આવેલા બોર્ડ અને હોર્ડિંગમાં તોડફોડનો પણ પ્રયાસ કર્યો.
પ્રદર્શનકારીઓને સમજાવવા માટે સદર અને કાજી મોહમ્મદપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી, જો કે તેઓ ન માન્યા. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી સેનાનો કોઈ અધિકારી તેમની સમસ્યા નહીં સાંભળે તેઓ રસ્તા પરથી નહીં હટે.

બેગૂસરાયમાં NH-31 જામ
તો બેગૂસરાયમાં હર હર મહાદેવ ચોક પર NH-31ને સંપૂર્ણપણે જામ કરી દીધો હતો. પ્રદર્શનકારીઓની માગ છે કે અગ્નિપથ યોજના અંતર્ગત ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે અને જૂની ભરતી પ્રક્રિયા પરત લાવવામાં આવે. ઉંમરમાં 2 વર્ષની છૂટ આપવામાં આવે. CEE એક્ઝામ પ્રક્રિયા ઝડપથી કરાવવામાં આવે અને એરફોર્સ એરમેનનું રિઝલ્ટ તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે.
શું છે અગ્નિપથ યોજના?
કેન્દ્ર સરકારે 14 જૂને સેનાની ત્રણેય પાંખ- આર્મી, નેવી અને એરફોર્સમાં યુવાનોની મોટી સંખ્યામાં ભરતી માટે અગ્નિપથ ભરતી યોજના શરૂ કરી છે. આ સ્કીમ અંતર્ગત યુવાનોને 4 વર્ષ માટે ડિફેન્સ ફોર્સમાં સેવા આપવાની રહેશે. માનવામાં આવે છે કે સરકારે આ પગલું પગાર અને પેન્શનનું બજેટ ઘટાડવા માટે લીધું છે.
ચાર વર્ષની નોકરીનો કેમ થઈ રહ્યો છે વિરોધ?
એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે, ‘2021માં સેનામાં નિયુક્તિ માટે આવેદન માગવામાં આવ્યા હતા. મુઝફ્ફરપુર સહિત આઠ જિલ્લાના હજારો અભ્યર્થિઓએ આવેદન આપ્યું હતું. તેમાંથી જેમને ફિઝિકલ ટેસ્ટ પાસ કર્યા તેમના મેડિકલ થયા હતા. મેડિકલ થયા બાદ હવે એક વર્ષથી લેખિત પરીક્ષાની રાહ જોઈ રહ્યાં છીએ. હજુ સુધી પરીક્ષા લેવાઈ નથી.’

પ્રદર્શનકારીઓએ કહ્યું, ‘રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે જાહેરાત કરી હતી કે અગ્નિપથી સ્કીમ અંતર્ગત અગ્નિવીરોની નિમણૂંક થશે, જેમને 4 વર્ષ માટે સેનામાં નોકરી આપવામાં આવશે. 4 વર્ષ પછી 75 ટકા જવાનોને 11 લાખ રૂપિયા આપીને ઘરે પરત મોકલી દેવાશે. માત્ર 25 ટકા લોકોની સેવા આગળ લેવામાં આવશે. આ નવા નિયમને લઈને હોબાળો તેમજ પ્રદર્શન કરી રહ્યાં છીએ.