ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

શ્રીલંકામાં આર્થિક સંકટઃ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રદર્શનકારીઓને જલસા !

Text To Speech

રાષ્ટ્રપતિ ભવન કોઈપણ દેશના સૌથી સુરક્ષિત સ્થળોમાં ગણાય છે. ઘણા દેશોમાં સામાન્ય જનતા રાષ્ટ્રપતિ ભવનના અમુક ભાગોમાં પરવાનગી લઈને જઈ શકે છે. એમાંય, સામાન્ય નાગરિક માટે તો રાષ્ટ્રપતિ ભવનમાં જવું ખૂબ જ મોટી વાત છે.

પરંતુ, શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે જોઈને એવું લાગે કે આવું પણ થઈ શકે ખરુ !

હાલમાં ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરી બન્યા બાદ ચાલી રહેલા સરકાર વિરોધી દેખાવો ખૂબ જ ઉગ્ર બની ગયા છે. જેના કારણે તાજેતરમાં હજારો ઉશ્કેરાયેલા વિરોધીઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનમાં ધસી આવ્યા હતા.

આ દરમિયાન કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ ભવનમાંથી ભાગી ગયા છે. બીજી તરફ, શ્રીલંકાના હિંસક પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવનની અંદરના રાષ્ટ્રપતિના સ્વિમિંગ પૂલમાં આનંદ માણતા જોવા મળ્યા છે.

હાલમાં શ્રીલંકામાં વિરોધીઓએ રાષ્ટ્રપતિ નિવાસ પર કબજો જમાવી લીધો છે. જેની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. જ્યાં કેટલાક વીડિયોમાં લોકો રાષ્ટ્રપતિ ભવનનો ઘેરાવ કરવા માટે એકઠા થતા જોવા મળે છે. કેટલાક વીડિયોમાં વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનના રૂમમાં આરામ કરતા અને સ્વિમિંગ પૂલમાં ન્હાતા જોવા મળે છે.

રાષ્ટ્રપતિ ભવન સાથે વિરોધીઓ શ્રીલંકાના વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાં પ્રવેશ્યા પછી તેમના પલંગ પર મસ્તી કરતા જોવા મળ્યા છે. જેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો શ્રીલંકાના પ્રધાનમંત્રીના પલંગ પર રમતા જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા અન્ય એક વીડિયોમાં વિરોધીઓ પણ રાષ્ટ્રપતિ ભવનમાં બનેલા જિમની અંદર મસ્તી કરતા જોવા મળે છે. જેમાં કેટલાક વિરોધીઓ ટ્રેડ-મિલ પર દોડતા અને કેટલાક વજન ઉપાડતા જોવા મળે છે.

હાલમાં સમગ્ર વિશ્વની નજર શ્રીલંકા પર છે. આવી સ્થિતિમાં, ત્યાંથી આવી રહેલા આવા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

Back to top button