ટોપ ન્યૂઝવર્લ્ડ

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ભવનને પ્રદર્શનકારીઓએ ઘેર્યું, ગોટબાયા રાજપક્ષે આવાસ છોડીને ભાગ્યા

Text To Speech

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ સૌથી ખરાબ બની રહી છે. શ્રીલંકાની વર્તમાન સ્થિતિથી ત્રસ્ત પ્રદર્શનકારીઓએ આજે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના આવાસને ઘેરી લીધું હતું. આ કારણે રાષ્ટ્રપતિ રાજપક્ષે પોતાનું આવાસ છોડીને ભાગી ગયા છે. સંરક્ષણ સૂત્રોએ પણ રાષ્ટ્રપતિ રાજપક્ષે ભાગી ગયા હોવાનો દાવો કર્યો છે.

આ તરફ શ્રીલંકન વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે તથા ત્વરિત સમાધાન માટે પાર્ટીના નેતાઓની ઈમરજન્સી બેઠક યોજી છે. વડાપ્રધાન વિક્રમસિંઘે સ્પીકર સમક્ષ સંસદ બોલાવવા અપીલ કરી હતી. શ્રીલંકા પોદુજાના પેરામુના (એસએલપીપી)ના 16 સાંસદોએ પત્ર લખીને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેને તાત્કાલિક રાજીનામુ આપવા જણાવ્યું છે.

પ્રદર્શનકારીઓએ કોલંબો સ્થિત રાષ્ટ્રપતિ આવાસને બપોરના સમયે ઘેરી લીધું હતું. આ ઉપરાંત તેમણે રાજપક્ષેના સત્તાવાર આવાસ ખાતે ખૂબ જ તોડફોડ પણ કરી છે. વણસી રહેલા આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની માગણી સાથે સરકાર સામે પ્રદર્શનો જામ્યા છે. પ્રદર્શનકારીઓએ સાંસદ રજિતા સેનારત્નેના ઘર પર પણ હુમલો કર્યો છે. અગાઉ 11 મેના રોજ તત્કાલીન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સહપરિવાર ભાગી ગયા હતા.

શુક્રવારના રોજ શ્રીલંકામાં અનિશ્ચિત કાળ માટે કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત સેનાને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસ પ્રમુખ ચંદના વિક્રમરત્નેએ શુક્રવાર રાતના 9:00 વાગ્યાથી રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.

Back to top button