અમદાવાદના નરોડામાં સ્માર્ટ મીટરનો વિરોધ, સ્થાનિકો સાથે મળીને કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે કરી રજૂઆત
- છેલ્લા આઠ દિવસથી સ્થાનિક રહેવાસીઓ કરી રહ્યા છે ઉપવાસ આંદોલન
- તાત્કાલીક સ્માર્ટ મીટર પરત ખેંચવા જનતાની માંગ
અમદાવાદ, 30 મે, કેન્દ્ર સરકારની સ્માર્ટ મીટર યોજનાનો હાલ સમગ્ર રાજ્યમાં વિરોધ પક્ષ હોય કે સામાન્ય નાગરિકો હોય ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે. જિલ્લાના તમામ કલેકટરોને સ્માર્ટ મીટર રદ કરવા માટે આવેદનપત્ર અપાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના નરોડામાં છેલ્લા આઠ દિવસથી સ્માર્ટ મીટર રદ કરવા માટે સ્થાનિકો મોટી સંખ્યામાં આંદોલન કરી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે સ્થાનિકો સાથે મળીને સ્માર્ટ મીટર રદ કરવા માટે વીજ કંપનીઓને રજૂઆત કરી હતી
નરોડામાં સ્થાનિકો 8 દિવસથી કરી રહ્યા છે વિરોધ
કોંગ્રેસ પ્રતિનિધિ મંડળના જણાવ્યા મુજબ ભાજપા સરકારની સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર થોપી દેવાની નીતિ સામે જનતાના આક્રોશ ફાટી નીકળ્યો છે, ત્યારે સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર થઈ રહેલા ભારે વિરોધના ભાગરૂપે નરોડા વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી સ્થાનિક રહેવાસીઓ ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે, ત્યારે મોટી સંખ્યામાં આંદોલનકર્તા ભાઈઓ-બહેનોને રૂબરૂ મળીને સ્માર્ટ મીટરએ લૂંટ મીટર છે અને પ્રજાને પડતી મુશ્કેલીમાં સત્વરે ન્યાય મળે તે માટે શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ બિમલભાઈ શાહ, પ્રદેશ કોંગ્રસ મીડિયા કન્વીનર મનિષ દોશી સહિતનું પ્રતિનિધિ મંડળે સ્થાનિક નાગરિકો સાથે રાખી ઉત્તર ગુજરાત વિજકંપનીના અધિકારીશ્રીઓ સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી. સાથે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ખાસ કરીને બહેનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી સરકારની ખોટી નિતિનો સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કર્યો હતો.
જનતા લૂંટાઈ રહી છે તે કેટલે અંશે વાજબી: ડો મનીષ દોશી
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના જણાવ્યા મુજબ બંધ મકાનો પાસેથી પણ મસમોટો વીજ બિલોના નાણા વસૂલાત થઈ રહી છે. પ્રિપેઈડ સ્માર્ટ મીટરો મોંઘવારીના માર વચ્ચે એડવાન્સ વસૂલાતથી પણ ભારો ભાર આક્રોશ વ્યક્ત કરી રહ્યાં હતાં. સ્માર્ટ મીટરોના ખરીદી કોન્ટ્રાક્ટમાં કમાઈ ગયા અને જનતા લૂંટાઈ રહી છે તે કેટલે અંશે વાજબી? સ્માર્ટ મીટરના કારણે જનતા ભારે મુશ્કેલી અનુભવી રહી છે.
સ્માર્ટ મીટરનાં નામે રાજ્યમાં ભારે આક્રોશ: હિંમતસિંહ પટેલ
જનતાને ન્યાય મળે તે માટે તેવી માંગ સાથે કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટરના નામે સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ છે મસમોટા બિલોથી મોંઘવારીના માર વચ્ચે સપડાયેલા ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના પરિવારો ભારે આક્રોશ અનુભવી રહ્યો છે. ભાજપ સરકાર અને વિજકંપનીના સત્તાધીશો વાત સાંભળવા તૈયાર નથી. મનફાવે તે રીતે સ્માર્ટ મીટરો જનતાને પૂછયા વિના લગાડી દેવામાં આવે છે, જેમનું બિલ સામાન્ય રીતે ૫૦૦ થી ૨૦૦૦ રૂ. બે મહિને આવતુ હતું. તેઓના વિજબીલ સ્માર્ટ મીટર લાગ્યા બાદ ૬૦૦૦ થી ૨૦૦૦૦ રૂ. જેવા મસમોટા વિજ બિલ પેટે નાણાં વસૂલાઈ રહ્યાં છે. ત્યારે ગાંધીનગર એસી ઓફિસમાં બેસીને જનતા વિરોધી નિર્ણયો કરે તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહી. જનતાને પડી રહેલી મુશ્કેલીઓમાં તાત્કાલીક સ્માર્ટ મીટર પરત ખેંચવા જનતાની માંગ છે. કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ પણે જનતાના ન્યાયની લડતમાં સાથે છે. આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટરના મુદ્દે ચાલતા જનઆંદોલનમાં કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ ટેકો આપે છે અને સ્માર્ટ મીટરના નામે ભાજપા સરકારની લૂંટનીતિને રોકવા માટે જનઆંદોલનના કાર્યક્રમો અપાશે.
આ પણ વાંચો.. અમદાવાદના નિકોલમાં ચોરીનાં ત્રણ ટુ વ્હીલર સાથે ઈસમ ઝડપાયો