ડીસામાં TRB જવાનોને નોકરીમાંથી છૂટા કરવાના આદેશ સામે વિરોધ, નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું
પાલનપુરઃ ડીસામાં પણ ફરજ બજાવતા TRB જવાનોએ વિરોધ નોંધાવ્યો છે. ડીસામાં અંદાજે 23 TRB જવાનો કાર્યરત છે. ત્યારે આજે TRB જવાનોએ એકત્ર થઇ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી તેમની નોકરી ચાલુ રાખવા માગ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા TRB જવાનોને નોકરીમાંથી છૂટા કરવાના આદેશ કરવામાં આવ્યો છે, જેનો હવે વિરોધ શરૂ થઈ ચુક્યો છે.
TRB જવાનોએ સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો
ડીસામાં પણ ફરજ બજાવતા TRB જવાનોએ આજે સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. ડીસા શહેરમાં 23 ટીઆરબી જવાનો કાર્યરત છે. તે તમામ TRB જવાનો આજે એકત્ર સરકારના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો હતો. નાયબ કલેકટર નેહા પંચાલને આવેદનપત્ર આપી સરકારના નિર્ણયને રદ કરવો તેમજ TRB જવાનોની નોકરી રાબેતા મુજબ શરૂ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
અચાનક છુટા કરી દેતા હાલત કફોડી બની
આ અંગે TRB જવાન કિરીટભાઈ પરમારે જણાવ્યું હતું કે સરકારે જ્યારે અમારી ભરતી કરી ત્યારે અમને છુટા કરવામાં અંગે કોઈ જ વાત જણાવી નહોતી અને આજે અચાનક છુટા કરી દેતા તેઓની હાલત કફોડી બની ગઈ છે. છેલ્લા પાંચ- દસ વર્ષથી પોલીસ સાથે ખભે ખભો મિલાવી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા જવાનોને અચાનક સરકારે છુટા કરતા હવે તેમના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તે મોટી સમસ્યા છે. ત્યારે સરકારે છૂટા કરવાનો નિર્ણય રદ કરી TRB જવાનોની નોકરી ચાલુ રાખે તેવી વિનંતી કરી હતી.
આ પણ વાંચોઃ ડીસામાં રખડતાં ઢોર પકડવા પાલિકા એક્શન મોડમાં, 10 પશુઓ પાંજરાપોળ મોકલી દેવાયા