ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પ્રોફેટ મહોમ્મદ ટિપ્પણી વિવાદ: ઝારખંડના રાંચીમાં નમાજ બાદ હિંસા, 2ના મોત

Text To Speech

પયગંબર મોહમ્મદ પર ટિપ્પણીના વિવાદને લઈને દેશના ઘણા શહેરોમાં હિંસક પ્રદર્શનો થયા. જેમાં ઝારખંડના રાંચીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઝારખંડના રાંચીમાં થયેલા હિંસક પ્રદર્શનમાં બે લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરોધ પ્રદર્શન કરી રહેલા બે વ્યક્તિનું ગોળી વાગવાથી મોત થયું છે. પ્રદર્શન દરમિયાન લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, ત્યારબાદ પોલીસની જવાબી કાર્યવાહીમાં આ બે પ્રદર્શનકારીઓના મોત થયા હતા. ગોળી વાગવાથી મૃત્યુ પામેલા લોકોમાં એકનું નામ મોહમ્મદ શાહિદ છે. તો, આ હિંસામાં રાંચીના એસએસપી પણ ઘાયલ થયા હતા જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની જગ્યાએ ડીએસપી અંશુમને મોરચો સંભાળ્યો છે. તો, હિંસામાં ઘાયલ થયેલા 10થી વધુ લોકોને પણ દાખલ કરવામાં આવ્યા છે.

રાંચીમાં હિંસક પ્રદર્શન
ભાજપ પ્રવક્તા નૂપુર શર્માના પયગંબર મોહમ્મદ પર ટિપ્પણીને પગલે રોષે ભરાયેલા લોકોએ ઝારખંડના રાંચીમાં મુખ્ય માર્ગ પર વિરોધ પ્રદર્શન કર્યું. અહીં અચાનક લોકોની ભીડ એકઠી થવા લાગી અને પ્રદર્શન હિંસક બની ગયું. ત્યારબાદ પોલીસે ભીડને વિખેરવા હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો. તેમજ લાઠીચાર્જ પણ કર્યો.પરંતુ, આ દરમિયાન ભીડ તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો. જેમાં ઘણા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા. જેથી હવામાં ​​ગોળીબાર બાદ બેકાબૂ બનેલી ભીડને કાબૂમાં લેવામાં પોલીસે વધુ કડક પગલા લીધા. જેમાં બે લોકોને ગોળી વાગી અને તેમના મોત નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે.

મહત્વનું છે કે, ભાજપ પ્રવક્તા નૂપુર શર્માના પયગંબર મોહમ્મદ વિશેના વિવાદાસ્પદ નિવેદન બાદ દેશભરમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે. દેશભરમાં શુક્રવારની નમાજ બાદ અનેક શહેરોમાં દેખાવો થયા અને ભીષણ હિંસા થઈ. આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હતા. યુપીમાં ઘણી જગ્યાએ આવા હિંસક પ્રદર્શન જોવા મળ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 136 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. હિંસાને પગલે યુપીમાં સીએમ યોગીએ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.

Back to top button